બાળ વાર્તા

અકબર બિરબલની બાળ વાર્તાઓ


(1) અપશુકનિયાળ મોંઢું
શેઠ હુકમચંદ જમવા બેસતા હતા.સોનાની થાળી અને સોનાના વાટકા,સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓ…કારણકે હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા.જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો(પંખો) પકડી શેઠની સેવામાં હાજર હતા.દાસ-દાસીઓ પીરસવા તૈયાર ઉભા હતા ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા-”શેઠ,ચાલો રાજા હમણાંને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ઘાલી દેજો.માટે શેઠ, તમે તરત આગળ ચાલવા માંડો.”
હુકમચંદશેઠને ગુસ્સો તો ઘણો જ આવ્યો પણ શું કરે???આ તો શાહી ફરમાન હતું એટલે જવું જ પડે ને???શેઠ તો ચાલ્યા. રાજ દરબારમાં રાજા સિંહાસન પર બેઠેલા હતા અને ગુસાથી દ્રુજતા હતા, આંખો લાલચૉળ હતી. હુકમચંદશેઠ ને જોઇને બોલ્યા. આ માણસને હાલને હાલ ફાંસી આપો. હુકમચંદ તો નવાઈ પામી ગયા કે મારો કયો ગુનો થયો છે???પણ રાજા આગળ કશું જ બોલી શકાય થોડું??? સેવકો તેમને ફાંસીના માંચડા પાસે લઈ ગયા. કેટલાક શાણા માણસો હતા તેમને થયું કે આ તો બહુ જ ખોટું થઈ રહ્યું છે. પણ રાજાને સમજાવે કોણ???બધએ કહ્યું બિરબલને મળો .તે ખૂબ ચતુર છે અને રાજાને માત્ર તે જ સમજાવી શકશે. બે-ચર જણ દોડ્યા બિરબલ પાસે અને બધી વાત કરી.બિરબલ બોલ્યા-”કશો વાંધો નહીં .તમે તમારે જઓ અને હું બાદશાહને સમજાવું  છું”બિરબલ રાજા પાસે ગયા અને બોલ્યા” નામદાર, આ બિચારા હુકમચંદનો એવો તો શો ગુનો છે કે તમે તેમને ફાંસીના માંચડે લટકાવવાનું કહો છૉ???”અકબર બોલ્યા-”બિરબલ તું વચમાં બોલીશ જ નહીં. આ અપશુકનિયાળ માણસ મારા રાજ્યમાં જોઈએ જ નહીં. આજે સવારે સૌથી પહેલું મોઢું મેં તેનું જોયું અને બધું ખરાબ જ બન્યું છે.સવારમાં જ હું કઢેલું દૂધ પીવા જતો હતો તો તે મારા કિંમતી પોશાક પર ઢોળાયું. પછી તૈયાર થઈ દરબારમાં જતો હતો ત્યાં સમાચાર આવ્યા કે બેગમના ભાઈ ગુજરી ગયા છે એટલે ત્યાં જવું પડ્યું. આવીને જમવા બેઠો તો ભોજનમાં ઉપરથી ગરોળી પડી, હજી આ પૂરું થયું ન હતું ત્યાં સમાચાર આવ્યા કે પાડૉશી રાજ્યાના રાજા યુધ્ધ કરવા આવ્યા છે એટલે ત્યાં દોડવું પડ્યું….”મારે આ માણસનું અપશુકનિયાળ મોંઢું મારા રાજ્યમાં જ ના જોઇએ.”બિરબલ હુકમચંદશેઠ પાસે ગયો અને તેમને કાનમાં કાંઇક કહ્યું. પછી રાજા પાસે આવીને બોલ્ય,’જહાંપનાહ, ભલે તમારી જેવી મરજી. રાજા હુકમ આપે પછી કોઇથી કશું બોયાય ખરું???  પણ મારી એક નમ્ર વિનંતી છે કે ફાંસી આપવાની હોય ત્યારે માણસ્ને તેની અંતિમ ઈચ્છા તો પૂછવી જ જોઈએ.”અકબર બોલ્યા,” બોલ શેઠ, તારે શું કહેવું છે??”હુકમીચંદ બોલ્યા,’નામદાર, હું શું કહું??? તમે મારું અપશુકનિયાળ મોઢું જોયું તો ઘણી જ ખરાબ ઘટનાઓ બની. તે બદલ હું દિલગીર છું . પણ મને વિચાર આવે છે કે મેં તો તમારૂં જ મોંઢું જોયું હતું અને મને ફાંસી મળી. હવે આપ જ કહો વધારે કે અપશુકનિયાળ મોંઢું કોનું????”રાજ તો વિચારમાં પડી ગયા. પ્છી હસતા હસતા બોલ્યા,”છોડી દો ષેઠને અને માન સાથે તેમને દરબારમાં લઈ આવો.”બધા જ બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા પણ બોલી ઉઠ્યા,”બિરબલ, તું નાહોત તો આ ગુણવાન શેઠને ગુમાવત. તેં મારઇ અને રાજ દરબારની લાજ રાખી. તારો ખૂબ ખૂબ આભાર.”
(2) અકબર બિરબલબાજરીનું દોરડું
અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઇર્ષા કરતા. એક દિવસ બધાએ  ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું. તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા.દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો.
મહાવત તો રાજા પાસે ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમે બોલ્યો. રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેંપ ઇલાજ કરવા કહ્યું. રાજવૈદે પણ તેને સમ્જાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડૂંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે.
અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડૂંડામાંથી દોરડું વણી લાવશે તેને 1000 સોનામહોરો આપવામાં આવશે. બધા જ વિચારમાં પડી ગયા. અકબરે 15 દિવસનો સમય આપ્યો હતો. પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોરડા વિષે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા. કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય. બધા મૂંઝાયા.
પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે. બધા કેમે ગભરાઓ છો અકબર પણ તરત બોલ્યા હા…..હા… બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય તેમણે બિરબલને પૂછ્યું બિરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે. તે તો ઘણો જ ચાલક હતો તે બોલ્યો જહાંપનાહ મને દસ મિનિટનો સમય આપો. રાજા બોલ્યા ભલે… બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાળણી લઈ આવ્યો અને બોલ્યો દોરડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ નેતા દરબારી મને પાણી આ ચાળણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં.
રાજાએ પેલા દરબારી નેતાને ચાળણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું. નેતા દરબારી તો રડમસ થઈ ગયા. તેમણે કહ્યું બાદશાહ આ તો અશક્ય જ છે. ચાળણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું
બિરબલ બોલ્યો જહાંપનાહ આતો મને ફસાવવાની એક યુક્તિ છે.
રાજા સમજી ગયો તેણે દરબારીને સજા ફરમાવી. દરબારીએ પોતાનો ગુને કબૂલ કર્યો. મહાવત રાજવૈદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી.
બધાએ બિરબલની ચતુરાઈનાં વખાણ કર્યા. રાજાએ બિરબલને 1000 સોનામહોરો આપી.
(3) અકબર-બિરબલ પ્રામાણિકતાની કસોટી
એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરીઃ”રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે.એકબીજાને છેતરે છે.આપણે કાંઈક કરવું જોઈએ.” અકબર રાજા બોલ્યાઃ”મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે.તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે.બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ બાહોશ છે  તે ખાલીખાલી કાંઈ ના કહે.મારે જણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં?
તેમણે બિરબલને બોલાવીને કહ્યું;”બિરબલ, રાજ્યમાં લોકો પ્રામાણિક છે કે નહીં તે જાણવું છે.તું કાંઈ યોજના બનાવ.” બિરબલ કહેઃ” ભલે હું કાલે વિચારીને કહીશ.”
બીજા દિવસે બિરબલ રાજાને કહેઃ”રાજાજી, એમ કરો તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાંખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક એક લોટો દૂધ્ તળાવમાં નાંખી આવે. આથી આખું તળાવ દૂધથી ભરાઈ જશે.” રાજા કહેઃ”આ કામ ને અને પ્રામાણિકતાને શો સંબંધ છે?” બિરબલ બોલ્યોઃ”તમે આટલું તો કરાવો પછી આપણે જોઈએ.”
રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખવું. લોકો તો વિચારમાં પડી ગયા.પછી થયું”રાજા, વાજા ને વાંદરા..મનમા કંઈ તુક્કો આવ્યો હશે..”
દરેક માણસે વિચાર્યું”બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ જનાંખવના છે ને? લાવને હું એક લોટો પાણી જ નાખું.” અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા.દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાંખ્યુ હશે.
સવારે બિરબલ કહે:” ચાલો રાજાજી, તળાવ જોવા જઈએ.દૂધથી ભરેલું હશે.” રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું!! બિરબલ કહેઃ‘જોયું ને રાજાજી, લોકો કેટલા પ્રામાણિક છે?” રાજા બોલ્યાઃ”બિરબલ, તેં એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાંખવા જાય?”બિરબલ કહેઃ”રાજાજી, દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે.”રાત્રે અંધારામાં ખબર ના પડે.”
રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો.રાજ્યમાં લોકોઅપ્રામાણિક બની ગયા હતા. તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા.
(4) હજૂર, હું તમારો સેવક છું…
એક વખત અકબર અને બિરબલ શાહી બગીચામાં ફરતા હતા.
અકબર તે દિવસે બહુ ખુશમિજાજ હતો.તેણે રીંગણનો એક છોડ બતાવી કહ્યું;”બિરબલ,રીંગણ એક એવી વનસ્પતિ છે કે જે મને ખૂબ જ ગમે છે.મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને એમ લાગે છે કે તે બહુ જ સારો છોડ છે.” બિરબલ બોલ્યો;”હા,હજૂર.તમારું માનવું બરાબર છે. તે બહુ જ સારી વનસ્પતિ છે.રીંગણના શાકનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને તે બધાને ગમી જાય તેવી વનસ્પતિ છે.એટલે જ ભગવાને તેનૅ લીલા રંગનો મુગટ પહેરાવ્યો છે.”આ વાત પછી થોડા દિવસ પસાર થઈ ગયા.વળી એક દિવસ અકબર અને બિરબલ તે જ શાહી બગીચામાં લટાર મારતા હત અકબર રીંગણના છોડને જોઈને બોલ્યો;”બિરબલ,આ છોડ સાવ નકામો છે.મને તેનો રંગ જરા ય ગમતો નથી.મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને લાગે છે કે તેનો સ્વાદ સાવ જ ખરાબ હશે.” બિરબલ બોલ્યો;”હા,હજૂર. તમે બિલકુલ બરાબર કહો છો.રીંગણ સાવ જ સ્વાદ વગરના હોય છે.એટલે જ તેનું નામે “બેંગન”(હિન્દી ભાષામાં)બેંગુન…એટલે કે ગૂણ વગરના” છે…..તેનામાં કોઈ પૌષ્ટિક ગુણો હોતા નથી.”અકબર એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો;”બિરબલ,તું તારા પોતાના વિચારો કેમ નથી જણાવતો?હું બોલું તેમ જ કેમ બોલે છે? થોડા દિવસ પહેલાં તો તુ એમ કહેતો હતો કે રીંગણ બહુ સારો છોડ છે. અને આજે કહે છે તે ખરાબ છોડ છે.આમ કેમ્?”બિરબલ ખૂબ જ નમ્રતાથી બોલ્યો;”હજૂર,હું તમારો સેવક છું.તમે મારા માલિક છો.તમને ખુશ કરવા તે મારો ધર્મ છે.તમને ખુશ રાખું તો તમે મારી કદર કરશો.રીંગણના છોડને ખુશ રાખવાથી મને કોઈ ફાયદો થવાનો નથી.રીંગણનો છોડ મારો માલિક નથી.”અકબર બિરબલના જવાબથી ખુશ થઈ ગયો.તેની નીડરતા,ચતુરાઈ અને હાજર જવાબીપણું જોઈ તેને આનંદ થયો.તેણે બિરબલને પોતાના ગળામાંથી હાર કાઢી ઈનામમાં આપ્યો.
(5) બિરબલે ચોર પકડી પાડ્યો…
એક વખત અક્બરના રાજ્યના એક ધનવાન શેઠના ઘેર મોટી ચોરી થઈ.ખૂબ જ માલમત્તા લૂંટાઈ ગઈ.
શેઠને તેના નોકરો પર શંકા હતી કે કોઈ નોકરે જ આ ચોરી કરી છે.તેણે અક્બરના દરબારમાં જઈ તેની ફરિયાદ કરી.હવે ચોરને શોધવો કઈ રીતે? અકબરે આ જવાબદારી બિરબલને સોંપી.બિરબલે શેઠના બધા જ નોકરોને બોલવ્યા અને કહ્યું;”તમારામાંથી જેણે ચોરી કરી હોય તે કહી દો તો તમને માફ કરવામાં આવશે અને કોઈ સજા નહીં થાય.”પણ કોઈએ પણ કબૂલ ના કર્યું.      બિરબલે એક સરખી લંબાઈવાળી લાકડીઓ મંગાવી દરેક નોકરને એક એક લાકડી આપી અને કહ્યું;”તમે આ લાકડી ઘેર લઈ જાઓ અને મૂકી રાખજો. જેણે ચોરી કરી હશે તેની લાકડી બે ઈંચ  લાંબી થઈ જશે.” બધા લાકડી ઘેર લઈ ગયા. બીજે દિવસે બધા લાકડી લઈ પાછા રાજ દરબારમાં આવ્યા. લાકડીની લંબાઈ માપી તો એક નોકરની લાકડી બે ઈંચ ટૂંકી હતી.બિરબલે તે નોકરને પકડ્યો અને અકબરને કહ્યું;” નામદાર, આ નોકરે ચોરી કરી છે.”તે નોકરને બરાબર માર પડ્યો. તેણે કબૂલ્યું કે તેણે જ ચોરી કરી હતી.તેણે ઘેર જઈને લાકડી બે ઈંચ જેટલી કાપી નાંખી હતી….આમ બિરબલે પોતાની ચતુરાઈથી ચોરને પકડી પાડ્યો.અકબર ખૂશ થઈ ગયો અને બિરબલને મોટું ઈનામ આપ્યું.શેઠે પણ ખૂશ થઈને બિરબલને અનેક રત્નો અને હીરાઓ આપ્યા.
(6) બિરબલ સ્વર્ગમાં જાય છે…
બિરબલ ખૂબ ચતુર અને શાણો હતો તથા બાદશાહનો માનીતો હતો તેથી બીજા દરબારીઓ  તેની બહુ જ અદેખાઈ કરતા અને તેને નીચો બતાવવાનો કોઈ ને કોઇ રસ્તો શોધી કાઢતા.
એક દિવસ બધા દરબારીઓએ ભેગા થઈને બિરબલને ફસાવવાનો ઉપાય શોધી કાઢ્યો.એક દિવસ રાજાના હજામ કે જે બિરબલની બહુ અદેખાઈ કરતો હતો તેણે એક ઉપાય શોધ્યો.તે સવારે રાજાની હજામત કરવા ગયો ત્યારે તેની દાઢી કાપીને સરખી કરતાં કરતાંબોલ્યો;”હજૂર,ગઈકાલે રાત્રે મને સપનામાં તમારા પિતા આવ્યા.” અકબરને વાતમાં રસ પડ્યો. તે બોલ્યો;”માર પિતાએ તને શું કહ્યું?” હજામે તરત તક ઝડપી લીધી અને બોલ્યો;”તેમણે કહ્યું કે અહીં સ્વર્ગમાં બીજી કોઈ વાતની તકલીફ નથી પણ કોઈ ચતુર,શાણો અને પાછો રમુજી માણસ અહીં નથી એટલે ખૂબ કંટાળો આવે છે.જો અકબર બાદશાહ આવા કોઈ માણસને અહીં મોકલી આપે તો સારૂં”રાજા તો બહુ જ ઊંડા વિચારમાં પડી ગયો.”કોને અહીંથી મોકલી શકાય?” તેણે બધાનો વિચાર કરી જોયો પણ બિરબલ સિવાય કોઈ તેની નજરમાં આવતું ન હતું. વળી તેને ખબર હતી કે આ માટે બિરબલે મરવું પડે…આવા વિચાર કરીને તે ખૂબ દુઃખી થઈ ગયો.આવા શાણા અને ચતુર માણસને ગુમાવવાનો તેનો જીવ ચાલતો ન હતો પણ તે પોતાના પિતાને ખૂબ ચાહતો હતો.છેવટે તેણે પોતાના મનને મજબૂત કરીને બિરબલને સ્વર્ગમાં મોકલવાનું નક્કી કર્યું.તેણે બિરબલને બોલાવ્યો અને કહ્યું;”બિરબલ,હું માનું છું કે તું મને ખૂબ ચાહે છે અને મારા માટે તુ કોઈ પણ વસ્તુનો ભોગ આપવા તૈયાર છે ખરુ ને?”બિરબલે રાજા શું કહે છે તે સમજવા પ્રયત્ન કર્યો પણ તે સમજી ના શક્યો.તેણે કહ્યું;”હા, નામદાર, “રાજા બોલ્યો;”બિરબલ, તારે મારા વહાલા પિતાને સાથ આપવા સ્વર્ગમાં જવું પડશે.ત્યાં તેમને ખૂબ એકલું લાગે છે.બિરબલ સમજી ગયો કે આ તેને ફસાવવાનું અને મારી નખાવવાનું કોઈનું કાવતરૂં છે.” તેણે નમ્રતાથી કહ્યું;”જહાંપનાહ, હું આપ કહો તેમ કરવા તૈયાર છું પણ મારે સ્વર્ગમાં જવાની તૈયારી કરવા થોડો સમય જોઈશે.” અકબર તો રાજી થઈ ગયો. તે બોલ્યોઃ”જરૂર,તું મારું આટલું મોટું કામ કરવા તૈયાર થયો છે તો હુ તને તૈયારી માટે એક અઠવાડિયાનો સમય આપું છું.” હવે બિરબલને ચિંતા થવા લાગી.તેને ખબર પડી ગઈ કે કોઈએ બહુ વિચારીને કાવતરૂં બનાવ્યું છે અને પોતે તેમાંથી છટકી શકે તેમ નથી.તેણે તો બહુ જ વિચાર કર્યો અને છેવટે તેને ઉપાય મળી ગયો.તેણે પોતાન ઘર પાસે એક ઊંડૉ ખાડો ખોદ્યો જે તેની પોતાની કબર તરીકે કામ લાગી શકે અને તેમાંથી એક ઊડું ભોંયરૂ બનાવ્યું જેનો બીજો છેડો તેના ઘરના એક રૂમમાં ખૂલતું હતું.આટલું કર્ય પછી તે દરબારમાં રાજા પાસે ગયો અને બોલ્યોઃ”હજૂર, હવે હું સ્વર્ગમાં જવા તૈયાર છું પણ મારી બે શરતો છે.” અકબર તો બિરબલની સ્વર્ગમાં જવાની વાતથી જ એટલો ખૂશ થઈ ગયો કે તેને ખ્યાલ ના આવ્યો કે બિરબલ કોઈ વિચિત્ર શરતો પણ મૂકી શકે છે.તેણે પૂછ્યું;”તારી કઈ બે શરતો છે?મને જલદી કહે જેથી તું ઝડપથી સ્વર્ગમાં જઇ શકે અને મારા પિતાની ઈચ્છા પૂરી કરી શકે.” બિરબલે કહ્યું;”નામદાર, પહેલી શરત છે કે મને મારા ઘર પાસે જ દફનાવવામાં આવે અને બીજી શરત છે કે મને જીવતો દફનાવવામાં આવે જેથી હું સ્વર્ગમાં જીવતો જ જઈ શકું અને તમારા પિતાજીને આનદથી સાથ આપી શકું.” અકબરને આ શરતો વ્યાજબી લાગી. બીજે દિવસે બિરબલને તેના ઘર પાસે ખાડામાં જીવતો દાટવામાં આવ્યો.અલબત્ત,તે ભોંયરા વાટે પોતાના ઘેર પહોંચી ગયો.પછી તે રોજ રાત્રે છુપા વેશે રાજ્યમાં ફરવા લાગ્યો અને શોધી કાઢ્યું કે આ કાવતરૂં કાણે ઘડ્યું હતું.આ રીતે તે છ મહિના ઘરમાં જ રહ્યો.તેણે દાઢી અને માથાના વાળ વધાર્યા હતા.છ મહિના પછી તે ખૂબ વધી ગયેલા વેરવિખેર વાળ અને લાંબી,ઠેકાણા વગરની દાઢી સાથે બહાર નીકળી,રાજાના દરબારમાં પહોંચ્યો.તેને કોઈ ઓળખી ના શક્યું. માંડ માંડ તે પરવાનગી મેળવી અંદર દાખલ થયો.તેણે રાજાને પોતાની ઓળખાણ આપી. આ જોતાં જ રાજા બૂમ પાડી બોલી ઉઠ્યો;”બિરબલ, તું ક્યાંથી આવ્યો? તું તો સ્વર્ગમાં ગયો હતો ને?”બિરબલ બોલ્યો;”નામદાર, હું અત્યાર સુધી તમારા પિતાજી સાથે જ હતો.મેં તેમની સાથે સરસ રીતે સમય વીતાવ્યો.તે મારી સેવાથી બહુ જ ખુશ થયા અને અહીં આવવાની ખાસ રજા આપી.” અકબરને પોતાના પિતા વિષે જાણવાની ખૂબ તાલાવેલી હતી તે બોલ્યો;” તેમણે મારા માટે કાંઇ સંદેશો મોકલ્યો છે?”બિરબલ બોલ્યો;”હા, જહાંપનાહ, તેમણે કહ્યું કે બહુ ઓછા હજામો સ્વર્ગમાં જઈ શકે  છે.” તમે મારી વધી ગયેલી દાઢી અને ખરાબ થઈ ગયેલા વાળ જોઈને સમજી જ જશો કે ત્યાં હજામની કેટલી તકલીફ છે? આથી તેમણે કહ્યું છે;”અકબરની હજામત કરતો હોય તે હજામને તાત્કાલિક જો સ્વર્ગમાં મોકલો તો સારૂં” આપ આમ કરશો તો જ તમારા પિતાની તકલીફ દૂર થશે. અકબર બધું સમજી ગયો. તેણે બિરબલની ચતુરાઈ અને સમજણના ખૂબ વખાણ કર્યા. અનેક કિંમતી ભેટ સોગાદો આપી અને હજામને બોલાવી, તેનો ગુનો કબૂલ કરાવી, સખત શિક્ષા કરી.
(7) ઊંટની ડોક કદરુપી કેમ હોય છે?
બિરબલની ચતુરાઈ અને ડહાપણથી અકબર બાદશાહ ખૂબ પ્રભાવિત થયો હતો
.એટલે એક દિવસ તેણે બિરબલને ઘણી બધી ભેટ આપવાનું વચન આપ્યું.પરંતુ એવું બન્યું કે આ પછી ઘણો સમય પસાર થઈ ગયો અને અકબર ભેટ આપવાનું ભૂલી ગયો.બિરબલ ખૂબ નારાજ થઈ ગયો.તેને સમજાતું ન હતું કે શું કરવું?
એક દિવસ અકબર અને બિરબલ યમુના નદીના કિનારે ફરતા હતા.ત્યાં તેમણે એક ઊંટ જોયું.અકબર બોલ્યો;”બિરબલ, મને કહે કે ઊંટની ડોક કદરુપી કેમ હોય છે?” બિરબલને થયું,રાજાને યાદ દેવડાવવાનો આ સારો મોકો છે. તે બોલ્યો;”નામદાર,કદાચ ઊંટ, તેણે કોઈને આપેલું વચન ભૂલી ગયું હશે.એટલે તેની ડોક કદરુપી થઈ ગઈ.શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “જે પોતે આપેલા વચનોનું પાલન નથી કરતો તેની ડોક કદરુપી થઈ જાય છે.” આને કારણે ઊંટની ડોક પણ કદરૂપી થઈ હશે તેવું લાગે છે. અકબરને તરત યાદ આવ્યું કે તેણે બિરબલને ભેટ આપવાનુ વચન આપ્યું હતું પણ હજુ સુધી તેણે વચનનું પાલન કર્યું નથી.જેવો તે પોતાના મહેલમાં પહોંચ્યો કે તરત જે તેણે ઘણી બધી કિંમતી ભેટો બિરબલને આપી.આમ બિરબલ એટલો ડાહ્યો હતો કે તેણે કશું પણ માંગ્યા વગર જ પોતાને જે જોઈતું હતું તે મેળવી લીધું.
(8) ગધેડો કોણ?
એક દિવસ અકબર ,તેના બે દિકરાઓ અને બિરબલ નદીએ ગયા.
ત્યાં અકબર અને તેના બંને દિકરાઓએ કપડાં ઉતારી બિરબલને સાચવાવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા. બિરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઉભો હતો.અકબર અને તેના દીકરાઓના કપડા બિરબલના ખભા પર હતા.જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બિરબલને ખભા પર કપડા લઈને ઉભેલો જોયો.આથી અકબરને મજાક કરી ખિજવવાનું મન થયું.તે બોલ્યો;”બિરબલ તું જાણે ધોબીના ગધેડાની જેમ ભાર ઉચકીને ઉભો હોય તેવું લાગે છે.” હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો; “જહાંપનાહ,ધોબીનો ગધેડો તો એક જ ગધેડાનો ભાર ઉચકે……..મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે.”અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો..
(9) પ્રશ્નના જવાબમાં પ્રશ્ન….
એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું;”બિરબલ, તું કહી શકે કે તારી પત્નીએ કેટલી બંગડીઓ પહેરેલી છે?” બિરબલ કહે;”ના,હજૂર.મને ખબર નથી.
” અકબર કહે;” તને ખબર નથી? રોજ તું એનો હાથ જુએ છે છતાં તને ખબર નથી..કેટલું ખરાબ કહેવાય.”બિરબલે કશો જવાબ ના આપ્યો.થોડા સમય પછી બિરબલ બોલ્યો;”ચાલો હજૂર, આપણે બગીચામાં જઈએ અને ત્યાં હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપીશ. બંને જણા નાનકડી સીડી ઉતરીને નીચે ગયા અને બગીચામાં ફરવા લાગ્યા. અકબર ફરી બોલ્યો”બિરબલ તેં મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો.”બિરબલ બોલ્યો;”નામદાર,પહેલા તમે મને કહો કે આપણે જે સીડી ઉતરીને આવ્યા તે તમે દિવસમાં કેટલીય વાર ઉતરતા હશો, ખરું ને?”અકબર કહે;”હા,” બિરબલ તરત બોલ્યો ;તો હવે તમે કહો કે તેમાં કેટલા પગથિયા છે?”અકબર હસી પડ્યો અને બોલ્યો;”મને મારા સવાલનો જવાબ મળી ગયો ..તુ ઘણો ચાલાક છે.”અને અકબરે વાતનો વિષય બદલી નાંખ્યો.
(10) બિરબલનો જન્મ….
મહેશદાસ જ્યારે મોટો થયો ત્યારે તે પોતાની બધી જ સંપત્તિ તથા અકબર બાદશાહે આપેલી વીંટી તથા માતાના આશિષ લઈને પોતાનું નસીબ અજમાવવા ભારતની રાજધાની ગણાતા ફત્તેહપુર સીક્રી જવા નીકળી પડ્યો.
તે આ નવી રાજધાનીની ચમક દમક જોઈને અંજાઈ ગયો. ત્યાં જામેલા લોકોના ટોળાને વીંધીને તે લાલ દીવાલોવાળા આલીશાન રાજમહેલ પાસે પહોચી ગયો.તે તેણે કદી ન દીઠેલા એવા રાજમહેલના સુંદર,ભવ્ય,કલાત્મક પ્રવેશદ્વારને જોતો જે રહ્યો મહેશદાસ દ્વારમાંથી પ્રવેશ કરવા જતો હતો ત્યારે રાજાના એક દરવાને પોતાનો ધારદાર ભાલો હવામાં વીંઝીને, આડો કરીને તેને રોક્યો અને બોલ્યો;”તું ક્યાં જવા માંગેછે? તેનો તને વિચાર આવે છે?”મહેશદાસ નમ્રતાથી બોલ્યો;” ;;”સાહેબ, હું અહીં રાજાને મળવા આવ્યો છું.” દરવાને કટાક્ષમાં કહ્યું; “હા..હા..રાજા તારી જ રાહ જોઈને બેઠા હશે કે તું ક્યારે તેમને મળે, ખરું ને?” મહેશદાસે સ્મિત કરતાં કહ્યું; “હા સાહેબ, અને હું અહીં છું.” પછી તરત જે તેણે ઉમેર્યું; “તમે તમારા રાજા માટે રણમેદાનમાં બહુ જ બહાદુરીથી લડ્યા હશો પરંતુ આશા રાખું કે અત્યારે મને રાજમહેલની અંદર જતો રોકીને તમે તમારા જાનનું જોખમ નહીં વહોરો. દરવાન એક ક્ષણ માટે અટકી ગયો પણ તરત જ હિંમતથી બોલ્યો, “ તું આવું કેમ વિચારે છે? જો તું આવું ગમેતેમ બોલવાનું બંધ નહીં કરે તો હું તારું માથું છૂંદી નાંખીશ. મહેશદાસ તેનાથી ડરીને હાર માને તેમ ન હતો.તેણે તરત જ તેને, રાજાએ આપેલી વીંટી બતાવી.હવે એવો કોણ હોય કે જે અકબર બાદશાહની વીંટીને ન ઓળખતો હોય ? વીંટી જોઈને પોતાની મરજી ન હોવા છતાં મહેશદાસને રાજમહેલમાં જવા દેવો પડશે એવું દરવાનને લાગ્યું.તેણે છલ્લે કહ્યું; “ભલે, તું એક શરતે અંદર જઈ શકે છે.” મહેશદાસે પૂછ્યું; “કઈ શરત? દરવાન બોલ્યો; “તને રાજા જે પણ ઈનામ આપે તેમાંથી અડધો ભાગ તારે મને આપી દેવાનો.તને આ મંજૂર છે? મને વચન આપ.”મહેશદાસ બોલ્યો;”ભલે, મને તારી શરત મંજૂર છે.હું તને વચન આપું છું.” દરવાને મહેશદાસને અંદર જવા દીધો મહેશદાસ તો અંદર ને અંદર જતો ગયો.છેવટે તે સોનાના રાજસિંહાસન સામે પહોંચી ગયો.તેણે જોયું કે રાજસિંહાસન પર તેજસ્વી પણ ખૂબ સાદો માણસ બેઠેલો હતો. તે તરત જ પારખી ગયો કે તે જ અકબર બદશાહ હતો.તેની આસપાસ ઘણા માણસો બેઠેલા હતા.મહેશદાસ બધાની વચ્ચેથી પસાર થઈને રાજા પાસે પહોંચી ગયો અને નમન કરીને બોલ્યો; “હે પૂર્ણ ચન્દ્ર જેવા સમ્રાટ,આપનો પડછાયો કાયમ માટે વિશાળ રહો. “અકબર તેના શબ્દોથી ખુશ થયો અને બોલ્યો; “બોલ યુવાન તારે મારી પાસેથી શું જોઈએ છે?” મહેશદાસ તરત નમ્રતાથી બોલ્યો; “નામદાર, હું તમારા કહેવાથી અહીં આવ્યો છું.”અને તેણે બાદશાહે વર્ષો પહેલાં આપેલી વીંટી બતાવી. રાજા પોતાની વીંટી ઓળખી ગયો અને વર્ષો પહેલાનો પ્રસંગ તેને યાદ આવી ગયો. રાજાએ કહ્યું; “બોલ,તારી શું ઈચ્છા છે?તે પૂરી કરવાનો હું પ્રયત્ન કરીશ.” મહેશદાસને પોતે દરવાનને આપેલું વચન યાદ આવી ગયું.તે બોલ્યો; “સમ્રાટ, જો આપ મને કાંઈ આપવા માંગતા હોય તો મારી પીઠ પર સો કોરડા મરાવો.” રાજાને તો નવાઈ લાગી.આ તે કેવી માંગણી? તેણે કહ્યું;”આ તે કેમ બને? તેં મારું કશું બગાડ્યું નથી છતાં હું તને કેવી રીતે કોરડા મરાવી શકું?” મહેશદાસ બોલ્યો; “નામદાર,તમે તમારા વચનમાંથી કેવી રીતે ફરી શકો? તમે મારી ઈચ્છા પૂરી કરવાનું કહ્યું હતુ ને? તો આ મારી ઈચ્છા છે.” રાજાએ કચવાતા મનથી, બહુ દુઃખી થઈને સો કોરડા ફટકારવાનો હુકમ કર્યો.બધાની નવાઈ વચ્ચે મહેશદાસે ખૂબ હિંમત અને શાંતિથી પીઠ પર પડતા કોરડા સહન કર્યા.બરાબર પચાસ કોરડા પૂરા થયા એટલે તરત મહેશદાસ બોલ્યો; “હવે અટકી જાઓ.” અકબરે પૂછ્યું; “કેમ ? શું થયું?” મહેશદાસ બોલ્યોઃ; “સમ્રાટ, હું અંદર આવતો હતો ત્યારે એક દરવાને મને અંદર આવતા રોક્યો હતો અને મારી પાસેથી વચન લીધું હતું કે તમે મને જે ઈનામ આપો તેમાંથી મારે તેને અડધો ભાગ આપવો.મેં મારા ઈનામનો અડધો ભાગ લઈ લીધો.હવે તે દરવાનનો વારો છે.બાકીનો અડધો ભાગ દરવાનને આપો.” બધા ખડખડટ હસી પડ્યા.દરવાનને તેની ખરાબ દાનતનું ફળ મળ્યું અને બધાની સામે તેનુ માથુ શરમથી નીચું નમી ગયું. રાજએ કહ્યું; “તું નાનપણમાં હતો તેવો જ નીડર રહ્યો છે. તું બહુ જ બુદ્ધિશાળી છે. હું ઘણા સમયથી મારા દરબારના લાંચિયા માણસોને શોધતો હતો. તેં જે નાનકડી યુક્તિથી આ કામ કર્યું તે કદાચ મારા કેટલાય કાયદાઓ અને કેટલાય વર્ષોનામ પ્રયત્નોથી ના થાત. આજથી તારા શાણપણને કારણે તને “બિરબલ“ નામ આપવામાં આવે છે અને આજથી તું મારા સલાહકાર તરીકે હંમેશા મારી સાથે રહેશે.”અને આ રીતે બિરબલનો જન્મ થયો….
(11) સામાન્ય પથ્થર અને પારસ
એક વાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું, ‘મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.’
તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, ‘તમારા દુ:ખને હું સમજી શકું છું. બાદશાહ અકબર દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.’
બીજા દિવસે દરબાર ભરાયો. વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, ‘જહાંપનાહ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે એ હયાત નથી તો આપ આ તલવારને તમારા શસ્ત્રાગારમાં જગ્યા આપો.’બાદશાહે તલવાર જોઈને કહ્યું, ‘આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી.’ વળી, બાદશાહે તેમના એક સેવકને હુકમ આપ્યો, ‘આ તલવાર એને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો’. બાદશાહનું એવું વર્તન જોઈને બીરબલને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર!
બીરબલે બાદશાહ અકબરને કહ્યું, ‘જહાંપનાહ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું?’ બાદશાહ અકબરે કહ્યું, ‘હા, બીરબલ તું પણ નિરીક્ષણ કરી લે.’ બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યો.ઘડીકમાં આમ ફેરવતો, તો ઘડીકમાં નીચેની બાજુ જોતો, તો ઘડીકમાં તલવારની મુઠ જોતો.
બાદશાહ પણ બીરબલની આ હરકત જોઇ વિચારમાં પડયા. છેવટે ન રહેવાતા પૂછ્યું, ‘શું થયું બીરબલ?’ ‘કંઈ નહીં જહાંપનાહ! જો કે મને વિશ્વાસ હતો કે તલવાર સોનાની બની જશે.’ ‘હેં, શું કહ્યું… સોનાની?’ બાદશાહને બીરબલની વાતથી નવાઇ લાગી.‘હા જહાંપનાહ! એક પારસ જે માત્ર એક પથ્થર હોય છે, તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. તો આપના જેવા પરોપકારી બાદશાહના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ…’ બીરબલે જાણી જોઇને વાકય અધૂરું છોડયું.બાદશાહ બીરબલની વાતથી બેચેન બની ગયા. તેમણે કહ્યું, ‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહે.’ બીરબલે કહ્યું, ‘સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે. બંને પથ્થર એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે. મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુ:ખી થઈ ગઈ.’
અકબર બાદશાહ બીરબલના કહેવાનો ભાવાર્થ તરત સમજી ગયા. તેમને થોડી શરમ પણ ઊપજી. તેમણે એ જ વખતે હુકમ કર્યો, ‘આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોનામહોરો આપવામાં આવે અને જીવે ત્યાં સુધી તેમને ખરચા-પાણી આપવામાં આવે.’ તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું.આમ બીરબલે ચતુરાઇથી વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રવધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું. બંને સ્ત્રીઓ બાદશાહ અકબર અને બીરબલને દુવાઓ આપતી ઘરે ગઇ
(12)અકબર અને બિરબલ બીરબલના બાળકોની પરિક્ષા
એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેવા હોંશિયાર હશે? આ પ્રશ્નનું નિરાકરણ કરવા અકબર રાજાએ વિચાર્યું.
એક દિવસ જ્યારે બિરબલ કશા કામ અર્થે બહાર ગામ ગયો હતો ત્યારે ‍અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવા નક્કી કર્યું.
અકબર બિરબલનાં ઘરે ગયો ત્યારે બિરબલનાં ઘરનાં વરંડામાં રમતા બિરબલનો મોટો પુત્ર અકબરને જોઇને બોલ્યો “આ આવ્યો”
ત્યારે નાનો પુત્ર બોલ્યો “પરંતુ તેને નથી” અને અંતે બિરબલની દિકરી બોલી “એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય”
અકબર રાજા બિરબલનાં બાળકોની આ પ્રકારની વાતો સમજી શક્યો નહીં. અને તે ત્યાંથી જ રાજદરબારમાં પરત ફર્યા. અકબર આખી રાત બિરબલનાં બાળકોની વાત-ચીત પર વિચારે ચડ્યો, તેને નિંદર ન આવી. બીજા દિવસે દરબારમાં તેણે આ ત્રણે વાક્યોનો અર્થ બતાવવા દરબારીઓને કહ્યું.
દરબારમાંથી કોઇ પણ બિરબલનાં બાળકોની વાતચીતનો યોગ્ય અર્થ બતાવી ન શક્યું. અંતે અકબરે બિરબલને પુછ્યું ત્યારે બિરબલ બધુ સમજી ગયો.
બિરબલે અકબરને પૂછ્યું “તમે કોઇનાં ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો? “
અકબરે કહ્યું “હા બિરબલ, પરંતુ તું મને આ ત્રણ વિચિત્ર વાક્યોનાં અર્થ કહે.”
ત્યારે બિરબલ બોલ્યો, મહારાજ પ્રથમ વાક્ય “આ આવ્યો” નો અર્થ થાય કે… “આ ગઘેડો આવ્યો”
કારણ કે મહારાજ તમે તે ઘરનાં સભ્યોને પૂછ્યા વગર તેનાં ઘરમાં પ્રવેશ કર્યો હતો. સાચુને મહારાજ ?
અકબરે કહ્યું કે બરોબર છે.
બિરબલે બીજા વાક્ય “પરંતુ તેને નથી” નો અર્થ કહ્યો કે…. “પરંતુ તેને પુછડું નથી”
અને ત્રીજા વાક્ય “એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય”નો અર્થ “પૂછડું કોઇને હોય કોઇને ન હોય”
બિરબલનાં જવાબ સાંભળીને અકબર રાજાને ખાત્રી થઇ ગઇ કે બિરબલનાં બાળકો પણ બિરબલ જેવા જ ચતુર અને હાજર જવાબી છે. ત્યાર બાદ અકબરે કદી પણ બિરબલનાં બાળકોની બુદ્ધિની ખાત્રી કરવાની કોશીશ કરી નહી
(13) પાંચ સવાલ
એક દિવસ બાદશાહ અકબરે દરબારમાં હાજર પોતાના રત્નોને પાંચ સવાલ પુછ્યાં-
1. ફૂલ કોનુ સારૂ
2. દૂધ કોનું સારૂ
3. મિઠાસ કોની સારી
4. પત્તુ કોનું સારૂ
5. રાજા કોનો સારો
બાદશાહનના આ સવાલના જવાબમાં બધા લોકો પોતાના અલગ અલગ બે મત કહેવા લાગ્યા. કોઈએ ગુલાબનું ફૂલ સારૂ કહ્યું તો કોઈએ કમળનું, કોઈએ બકરીનું દૂધ સારૂ કહ્યું તો કોઈએ ગાયનું, કોઈએ શેરડીની મિઠાશ સારી કહી તો કોઈએ મધની, કોઈએ કેળાના પત્તાને સારૂ કહ્યું તો કોઈએ લીમડાના, કોઈએ રાજા વિક્રમાદિત્યને સારો કહ્યો તો કોઈએ રાજા અકબરને.
બાદશાહ અકબર કોઈના પણ જવાબથી સંતુષ્ટ ન થયાં ત્યારે તેમણે બિરબલને જવાબ આપવા કહ્યું-
- ફૂલ કપાસનું સારૂ હોય છે કેમકે તેનાથી જ આખી દુનિયામાં પડદો થાય છે.
– દૂધ માતાનુ સારૂ હોય છે કેમકે તેને પીને જ બાળપણમાં પોષણ થાય છે.
– મિઠાશ વાણીની સૌથી સારી હોય છે કેમકે તે બોલનારની સાથે સાંભળનારના સંબંધ સારા બનાવે છે.
– પત્તુ પાનનું સારૂ હોય છે કેમકે તેને ભેટ કરવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે.
– રાજાઓમાં દેવરાજ ઈન્દ્ર સૌથી સારા છે કેમકે તેની આજ્ઞાની જ મેઘ વરસે છે અને માત્ર મનુષ્યનું જ નહિ પરંતુ દુનિયાના દરેક જીવનું પોષણ થાય છે.
બીરબલનો જવાબ સાંભળીને અકબર ખુબ જ ખુશ થયાં અને તેમણે બીરબલની બુદ્ધિની પ્રશંસા કરી.
(14) મોરનાં ઈંડા
એક વખત અકબર બાદશાહ પોતાનો દરબાર ભરીને બેઠા હતા. આજુબાજુ બાદશાહનું મંત્રીગણ બિરાજેલું હતું. મંત્રીઓ અને સભાસદો અલકમલકની વાતો કરી રહ્યાં હતાં. પણ આ મંત્રીગણ અને સભાસદોની વચ્ચે બાદશાહ અકબરને બિરબલની ગેરહાજરી ખલી રહી હતી તેથી તેઓ પણ ચૂપચાપ સહુની વાતો સાંભળતાં હતાં. સહુની વાતો સાંભળતાં સાંભળતાં બાદશાહ અકબરને એક વિચાર આવ્યો. તરત જ તેણે સૌ સભાસદોને પ્રશ્ન કર્યો કહો એવું કોણ છે જે પાણી વગર જીવી શકે છે જેને પાણી પીવડાવોને એ મરી જાય એવું કોણ છે? સૌ સભાસદો તો બાદશાહ અકબરનો આ પ્રશ્ન સાંભળીને અવાચક બની ગયાં અને વિચારવા લાગ્યા કે એવું કોણ છે જે પાણી વગર રહી શકે છે. ઘણું વિચારવા છતાં કોઈને પણ ખબર ન પડી, તેથી સૌ ચૂપ થઈને બેસી ગયાં. સૌને ચૂપ બેસેલા જોઈ બાદશાહ અકબરે દરબારને કહ્યું કે એક અઠવાડિયાની અંદર મને મારા પ્રશ્નનો જવાબ જોઈએ. બાદશાહની વાત સાંભળીને સહુ દરબારી ડરી ગયાં તેથી ચૂપચાપ માથું નીચે કરી તેઓ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યાં.
રોજ સભા ભરાતી, રોજ મંત્રીગણ ભેગું થતું, રોજ અકબર બાદશાહ પ્રશ્ન પૂછતા પણ રોજ સૌ નિરુત્તર રહી જતાં. ધીમે ધીમે કરીને અઠવાડીયાની અવધિ પૂરી થવા આવી તેમ બાદશાહ અકબર પણ ગુસ્સામાં આવીને મંત્રીગણો તરફ રૂક્ષ થવા લાગ્યા. બાદશાહ અકબરને સભાસદો પ્રત્યે ક્રોધિત અને રૂક્ષ થયેલા જોઈ સહુ મંત્રીગણ પરસ્પર વિચારવા લાગ્યા કે હવે બિરબલજી જલ્દી આવી જાય તો સારું કારણ કે બાદશાહનાં અંતરંગી સવાલોનાં જવાબ તો ફક્ત તેઓ જ દઈ શકે છે. આમ કરતાં કરતાં અઠવાડીયાનાં ૬ ઠ્ઠો દિવસ પણ પૂરો થવા આવ્યો હતો ત્યાં જ સભાસદોએ બિરબલને બહારગામથી આવતા જોયા તરત જ સભાસદો બિરબલ પાસે દોડી ગયાં અને પોતાને બચાવવા વિનંતી કરી બાદશાહનો પ્રશ્ન કહી સંભળાવ્યો. બિરબલે સહુ દરબારીને શાંત કર્યા અને કહ્યું તેઓ આવતી કાલે બાદશાહને મનાવી લેશે સહુ દરબારી નચિંત બનીને ઘરે જાઓ. બિરબલની વાત સાંભળીને બધા જ દરબારીઑ બિરબલનો જયઘોષ કરતાં કરતાં ઘેર ગયાં અને બિરબલ પણ વિચારતો વિચારતો પોતાના ઘરે ગયો.
પિતા બિરબલને ઘરે આવેલ જોઈ તેની દીકરી ખૂબ હર્ષિત થઈ પણ પિતાને આમ વિચારમગ્ન જોઈ દીકરી પૂછવા લાગી કે પિતાજી આમ આપ શું વિચારી રહ્યાં છો? આપનો ચહેરો ચિંતાતુર કેમ છે? ત્યારે બિરબલે બાદશાહ અકબરનાં પ્રશ્નની વાત કરી આ સાંભળીને દીકરીએ કહ્યું પિતાજી આપ પણ નચિંત બનીને સૂઈ જાવ કાલે દરબારમાં હું તમારી સાથે આવીશ અને તમારા પ્રશ્નનો જવાબ આપીશ. દીકરીની વાત સાંભળીને બિરબલજી પણ આનંદિત થઈ, નચિંત બની ને સૂઈ ગયાં. બીજે દિવસની સવારે બિરબલજી પોતાની દીકરીને લઈ દરબારમાં ગયાં. બાદશાહ અકબર બિરબલને જોઈને પ્રસન્ન તો થયા પણ તરત જ તેને સભામાં હાજર રહેલા સહુને સૌને પ્રશ્ન પૂછ્યો ત્યારે દરબારીઓએ કહ્યું કે તેમને તો બાદશાહનાં સવાલનો જવાબ મળ્યો નથી પણ બિરબલજી એ સવાલનો જવાબ ચોક્કસ આપશે. આ સાંભળીને બાદશાહે બિરબલને કહ્યું મારા સવાલનો જવાબ આપ કે એવું કોણ છે જે પાણી વગર જીવી શકે છે ને પાણી પીને મરી જાય છે? બાદશાહની વાત સાંભળીને બિરબલજીએ કહ્યું જહાંપનાહ આપના સવાલનો ઉત્તર હું નહીં પણ મારી દીકરી આપશે. પછી પોતાની દીકરી તરફ જોઈ બિરબલજી કહેવા લાગ્યાં કે વ્હાલી દીકરી બાદશાહનાં સવાલનો જવાબ આપો. ત્યારે બાદશાહ અકબર વિચારવા લાગ્યાં કે મોટા મોટા મંત્રીઑ જે જવાબ નથી આપી શકતાં તે જવાબ આ આવડી ટેટા જેવી દીકરી શું આપશે ત્યાં જ બિરબલજીની દીકરી ઊભી થઈ બાદશાહ પાસે આવી કહેવા લાગી કે જહાંપનાહ આપનાં સવાલનો જવાબ જાણવા માટે હું કહું તે પ્રમાણે કરવું પડશે. દીકરીની વાત સાંભળીને બાદશાહે હા કહી તેથી દીકરી કહે જહાંપનાહ આપનાં હાથની હથેળી ખોલો તો. બાદશાહે દીકરીની વાત સાંભળી પોતાની હથેળી ખોલી તો બિરબલજીની દીકરીએ ઊભા થઈ  બાદશાહ અકબરની હથેળીમાં કશુક મૂક્યું પછી તરત જ બાદશાહની હથેળી બંધ કરાવી દીધી. પળ-બે પળ થઈ ત્યાં દીકરીએ પુછ્યું  જહાંપનાહ કેવું થાય છે? ત્યારે બાદશાહ બોલ્યા બેટા હથેલીમાં કાંઈક સળવળે છે. આથી દીકરીએ બાદશાહની હથેળી ખોલાવી. બાદશાહે જોયું કે પોતાની હથેળીમાં તો થોડી વિવિધ પ્રકારની ઇયળો અને કીડા હતાં. આ જોઈને બાદશાહને ચીતરી ચઢી તેથી બાદશાહે મ્હોં બગાડીને હથેળીની દિશા વાળી દીધી તો બધી જ ઇયળો અને કીડા નીચે પડી ગયાં પછી બાદશાહે ક્રોધિત પૂછ્યું બિરબલજી આ શું છે? બાદશાહની વાત સાંભળી બિરબલજીની દીકરી ફટ કરતી બોલી ઉઠી જહાંપનાહ એ તો આપના સવાલનો જવાબ છે. આ ઇયળો અને આ કીડા તે સૂકા અનાજમાં થાય છે આ અનાજમાં પાણી નથી હોતું તેમ છતાં પણ તેઓ જીવે છે ઉપરાંત આ બધી ઇયળો અને કીડાને પાણીમાં નાખો તો પાણી પીને મરી જાય છે કારણ કે આ જીવો એવા છે જેમને પાણીની નહીં પણ સૂકા અનાજની જરૂર છે. બિરબલજીની નાનીશી દીકરીની વાત સાંભળી બાદશાહ અકબર ખુશ ખુશ થઈ ગયાં અને બિરબલજીની દીકરીને ઈનામ આપી તેનું સન્માન કર્યું પછી કહેવા લાગ્યાં કે બિરબલજી જેવા આપ ચતુર છો તેવી જ આપની દીકરી…..પણ ચતુર છે બિરબલજી મોરનાં ઈંડા ચીતરવા નો પડે હો……
(15) નવી વહુ
વિસરાતી વાર્તાઓ-૫.( અકબર – બિરબલ.)
એકવાર અકબર અને બિરબલ,વેશપલટો કરીને, અર્ધ રાત્રી બાદ,નગરચર્યા કરવા નીકળ્યા. રાત્રી પુરી થઈને ,વહેલી પરોઢ થતાં,નગર ભ્રમણ કરી, ફરતાં ફરતાં થાકી જતાં,નગરની બહાર એક સંતની કૂટિર પાસે વિશ્રામ કરવા બેઠા.,ત્યાંજ માતા તુલસીનો સુંદર છોડ ઉગેલો જોઈ,બિરબલે તુલસીમૈયાને વંદન કરી પ્રદક્ષિણા કરી.
આ જોઈને અકબરને આદતવશ, બિરબલની ઠેકડી ઉડાડવાનું મન થયું.તેણે બિરબલ ને અજ્ઞાનભાવે પુછ્યું,”બિરબલ, તેં આ સામાન્ય એવા છોડને વંદન કરી પ્રદક્ષિણા શા માટે કરી ?”
બિરબલે પ્રેમથી કહ્યું,” જહાઁપનાહ,અમારા ધર્મમાં આ વનસ્પતિને તુલસીમૈયા કહે છે,અને તે ભગવાનને ખૂબ પ્રિય છે,તેથી અમે તેને માતા માનીને વંદન કરી પ્રદક્ષિણા કરીએ છીએ.આપ પણ તેને વંદન કરીને, પ્રદક્ષિણા કરશો તો મને આનંદ થશે.”
અકબર હજુપણ મજાક કરવાના મિજાજમાં હોવાથી,બિરબલની વાત સાંભળી ન સાંભળી કરીને,ઉભા થઈ આગળ વધી ગયા.
બિરબલને ઘણુંજ માઠું લાગ્યું,તેથી તે બોલ્યા-ચાલ્યા વગર પાછળ -પાછળ ચાલવા લાગ્યા.થોડીવાર પછી બિરબલની નારાજગી જોઈને અકબરને શરમ આવી,તેને મનમાં થયું ,”મારે તેના ધર્મ – આસ્થાની ઠેકડી ઉડાડવા જેવી ન હતી ,મારાથી ખોટું થઈ ગયું.”તેથી અકબર બાદશાહ,બિરબલને બીજી વાતે ચઢાવી,નારાજગી દૂર કરવાના પ્રયત્ન કરવા લાગ્યા.
હવે સવાર થવા આવી હતી.પ્રજાજનોની ચહલપહલ વર્તાવા લાગી હતી.તેવામાં બિરબલને, રસ્તાની બાજુમાં કૌંચ નામની જંગલી વેલનો વિશાળ જથ્થો ઉગેલો દેખાયો,બિરબલને બાદશાહને પાઠ ભણાવવાનું મન થયું,તેથી આ વેલની પાસે જઈ વંદન કરી, પ્રદક્ષિણા કરીને, વેલનાં પાંદડાંને હાથ લગાવ્યા વગર શરીર ઉપર ઘસવાનો ખાલી અભિનય કર્યો.
અકબરના પુછ્યા વગરજ આ વનસ્પતિ વિશે બિરબલે જણાવ્યું,” જહાઁપનાહ,પેલી વનસ્પતિ અમારી માતા છે,તો આ વનસ્પતિ અમારા પિતા છે.માતાને ફક્ત નમન કર્યું,પણ પિતા નારાજ ના થાય તેથી તેનાં પાંદડાં,મેં શરીરે લગાવી,તેમને ભેટીને,તેમને રાજી કર્યા.આપ તો સર્વ ઘર્મ સમાનમાં માનો છોં.”
બાદશાહ અકબરને મનમાં થયું,” બિરબલને અગાઉ મજાકનું માઠું લાગ્યું,તેથીજ આમ કહે છે.ચાલ તેની નારાજગી દૂર કરી દઉં.આ સારો મોકો છે.”
અકબરે પણ બિરબલનું અનુકરણ કરી, વનસ્પતિને વંદન કરી,પ્રદક્ષિણા કરી, કૌંચનાં પાંદડાં ખરેખર હાથમાં લઈ,આખા શરીરે જોરથી ઘસ્યાં.
હવે આપને તો ખબર જ હશેકે,કૌંચ નામની વનસ્પતિનાં પાનને જો,શરીર પર ઘસવામાં આવે તો આખા શરીરે,સહન ન થાય તેવી ખંજવાળ આવે,
જેની પીડા કોઈથી પણ સહન ના થાય..!!
બાદશાહને પણ આખા શરીરે અસહ્ય ખંજવાળ ઉપડી,પીડા સહન ના થઈ તેથી તેમણે બિરબલને પુછ્યું,” બિરબલ,આ તે કેવી વનસ્પતિને તમારા ધર્મમાં બાપા બનાવ્યા છે ? જે તને ન કરડ્યાને પણ મને તો આખા શરીરે ડંખે છે ?”
બિરબલે ઠાવકું મોં રાખીને જવાબ આપ્યો,”બાદશાહ સલામત, આપે મારી માતાની ઠેકડી ઉડાડી,તેથી અમારા બાપા આપની ઉપર ખૂબ નારાજ થયા લાગે છે.તેથીજ આમ અસંખ્ય ડંખ મારીને આપને હવે કોઈનાય ધર્મની મજાક ન કરવાની ચેતવણી આપતા લાગે છે..!! “
ઉપસંહાર – કોઈની મજાક કરનારાને,વખત આવે કુશાગ્ર બુધ્ધિનો ઉપયોગ કરીને તેની મજાક કરવાની ટેવ છોડાવવામાં કાંઈ ખોટું નથી.
====================================
વિસ્તરતી વાર્તાઓ -૫.( નવી વહુ )
૪૦+ની ઉંમરે પહોંચેલા,સંજોગવસાત, કુંવારા રહી ગયેલા, સરળ, ભોળા હ્યદયના, એક સજ્જ્નને,આટલી ઉંમરે, તેમને લાયક ,સારો નરસો છોકરો કરવામાં રઝળી પડેલી,૩૮ વર્ષની કન્યા મળી અને બંન્નેના લગ્નનું ચોકઠું ગોઠવાઈ ગયું.
હવે મઝા એ બાબતની હતીકે, આ કાંઈ મુગ્ધાવસ્થામાં રાચતાં, વરઘોડીયાં તો હતાં નહીં..!! તેથી પહેલા જ દિવસથી પેલી પત્નીએ, ભોળા પતિને વશમાં કરી, બાકીનાં ઘરનાં સદસ્યથી, અલગ કરવાનો કારસો, કપટ કરવાનું શરું કરી દીધું.
પેલા પતિદેવ ભલે ભોળા હતા,પણ બાકીનાં ઘરનાં કાંઈ મૂરખ ન હતાં, આ ભોળા ભાઈનાં માતા પિતા,નાનો ભાઈ,નાની બહેન બઘાંને,થોડા દિવસમાં જ જ્ઞાન થઈ ગયુંકે, નવી આવેલી વહુના ઈરાદા સારા નથી,ભાઈને વશમાં કરીને ઘરનો, તિજોરીનો અને ધંધાનો સઘળો વહીવટ, તેને પોતાના હાથવગો કરવાની બદદાનત લાગે છે ?
ઘરનાં બાકીનાં બઘાંજ સદસ્ય એક થઈને, નવી આવેલી વહુના બધાજ દાવ હવે ઉંધા વાળવા લાગ્યા. નવી વહુને , મનમાં આ બાબત ઘણીજ ખટકવા લાગી. ધીરે ધીરે ઘરનાં હોશિયાર સદસ્યોએ, નવી વહુને, ઘરની કામવાળી જેવો દરજ્જો આપી દીધો. ઘરનાં તમામ માટે સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું જમવાનું તથા ઘરનાં અન્ય નાંનાં મોટાં કામ…..ઊ..ફ..ફ…!!
થોડા જ દિવસમાં નવી વહુ, કામના બોજને કારણે કંટાળી ગઈ, તેને તો પતિ સાથે દિવસ દરમિયાન પાંચ મિનિટ વાત કરવાનો પણ સમય ના મળે, તેવો તખ્તો ઘરનાંએ ગોઠવી દીઘો હતો. રાત્રે થાકીને તે એવી નરમઘેંસ જેવી થઈ જતી કે, ક્યારે ઉગે સવાર..!! તેનીજ ખબર તેને ના રહેતી.
એવામાં એક દિવસ,આ નવી વહુની, માઁ એને મળવા આવી. માઁને જોતાંજ દીકરીએ, સાંસરિયાં, તેને તેના ઈરાદામાં ફાવવા નથી દેતાં, તેવી ફરિયાદમાઁ પાસે કરી દીધી. દીકરી કરતાં માઁ સવાઈ ઉસ્તાદ હતી, તેથી દીકરીને કાનમાં, એક અકસીર ઉપાય બતાવી, થોડો સમય રોકાઈ, તે રવાના થઈ ગઈ.
થોડીવાર પછી સાંજનું જમવાનું બનાવવાનો સમય થયો હોવા છતાં, વહુ રસોડામાં ના દેખાતાં, સાસુએ વહુને, સાંજની રસોઈ બનાવવા કહ્યું.
બસ થઈ રહ્યું, નવી વહુ ધડામ..મ કરીને ભોંય ઉપર પડીને આળોટવા લાગી, સાસુએ ગભરાઈને બુમાબૂમ કરતાં, પેલા ભોળા પતિ સહીત, બધાંજ દોડી આવ્યાં,
વહુને વાઈ આવી હશે તેમ,સમજીને કોઈ તેને,જૂતાં તો કોઈ વળી કાંદા સુંઘાડવા લાગ્યાં,એટલામાં તો વહુએ પોતાના વાળ છૂટ્ટા કરીને,મોટી ત્રાડ નાંખી,જોર જોરથી ધૂણવાનું શરું કર્યું.
બૂમાબૂમ સાંભળી દોડી આવેલાં,પડોશી શ્રદ્ધાળુ માજીએ વહુને, ધૂણવાનું કારણ પૂછ્યું, તો વહુએ ધૂણતાં ધૂણતાં પોતે કોઈ જોગણી હોવાનું જણાવતાં જ, સહુ કોઈ વહુને પગે લાગવા લાગ્યા.થોડીવારમાં તો આખા મહોલ્લાના લોકો આવી ફળફૂલ, દીવા અગરબત્તી, નાળીયેળ ચઢાવવા લાગ્યા.
આ બધું જોઈને હવે તો આ વહુનાં સાસુ સસરા પણ, રખેને જોગણી કોઈ શ્રાપ આપે, તે ડરથી વહુના ચરણે, પગે લાગી, માફી માંગવા લાગ્યાં.
થોડા દિવસમાં જ ,નવી વહુને આ નવો દાવ એવો ફાવી ગયો કે, કોઈને શક જવાની વાત તો દૂર, ઘરનાં તમામ કામ કરવામાંથી મૂક્તિ મળી ગઈ.
હવેતો એવા દિવસ શરુ થઈ ગયાકે..!! ભૂલથી તેનો પતિ પત્ની પાસે પાણીનો ગ્લાસ પણ માંગે કે, તરતજ આ કુશળ અભિનેત્રી, ધૂણવાનું શરુ કરે,મહોલ્લો દોડી આવે,ચરણસ્પર્શ કરે અને ઘરકામની વાત વિસારે પડી જાય.
હવે તો ઘરનાં બાકીનાં સદસ્ય વહુનાં નોકર બની, નવી વહુને, તેના રુમમાં તે જે વસ્તુ મંગાવે તે, હાજર કરવા લાગ્યાં, રખેને જોગણી શ્રાપ આપે તો.ઓ.ઓ..!!
આવું થોડા દિવસ ચાલ્યું હશેને, એક દિવસ ફરીથી આ વહુનીમાઁ દીકરીને મળવા આવી પહોંચી, પોતાનું શીખવાડેલું કપટ સફળ થઈ રહેલું જાણી તથા,દીકરી તો હવે શેઠાણીની માફક ઘરમાં રાજ કરતી હોવાનું જાણી, માઁ ઘણી રાજી થઈ, ઘણાજ સંતોષ સાથે, હવે તિજોરીની ચાવી કબજે કરવાની યુક્તિ બતાવીને, માઁ રવાના થઈ.
થોડીવાર પછી,સાંજનું જમવાનું તૈયાર કરવાનો સમય થતાંજ સાસુએ વહુને મદદ કરવાની વિનંતી કરી, તે સાથે જ આદત મૂજબ વહુએ ધૂણવાનું શરુ કરી મહોલ્લો ભેગો કરી દીધો. પણ આ શું ?
નવી વહુને જોગણી આવતાં હતાં, તે દરમિયાન જ પતિદેવ પણ તેની સામે, જોર જોરથી ઉછળી કુદકા મારવા લાગ્યા. એકઠાં થયેલા સહુ કોઈ આ કૌતુક જોઈને, પેલી વહુને પડતી મૂકી તેનો વર ઠેકડા મારતો હતો, ત્યાં જમા થઈ ગયા. એટલામાં કોઈએ નમન કરીને આપ કોણ છો તેમ,પૂછતાં જ પતિદેવે પોતે હનુમાનજી હોવાનું કહ્યું અને પોતાની ગદા તરત લાવી આપવાની જીદ ધારણ કરી.
ગદા તો ના મળી,પણ ગદાને બદલે, કોઈએ પેલા ભાઈના હાથમાં લાકડી પકડાવી દેતાં, હનુમાનજી વિફર્યા, સામે ધૂણતી પત્નીની પાસે જઈને રોષપૂર્વક, “પોતાની ગદા,આ જોગણીએ જ સંતાડી છે,”કહી તેને બરડામાં જોરથી લાકડી ફટકારવા લાગ્યા.
પેલી નવી વહુને આવેલી જોગણી,મારના ત્રાસથી ડરીને નવી વહુના શરીરમાંથી જાણે ભાગી નીકળી હોય તેમ, નવી વહુ, પોતાના અસલરુપમાં આવી જઈ ” ઓ મારી માઁ રે, મને મારશો મા, હમણાં જ ગદા શોધું છું,.”.તેવી વિનંતી કરવા લાગી.
પછીતો બે ચાર દિવસમાં બધું ઠેકાણે પડી ગયું,કામ કરવાની વાત આવે એટલે,વહુને જોગણી આવે,તે સાથે જ પતિને હનુમાનજી શરીરમાં પ્રવેશી,એમના હાથમાં જે આવ્યું તે ધારણ કરીને જોગણીને હજીસુધી, ગદા ના શોધી આપવા બદલ, મારી મારીને અધમૂઈ કરી નાંખે.
છેવટે , નકલી જોગણીએ માર ખાવાના ડરથી, નવી વહુના શરીરમાં પ્રવેશવાનું જ બંધ કરી દીધું,આ બાજૂ જોગણી ના આવેતો, બિચારા હનુમાનજીને પણ ગદાની શી જરુર ? તેમણે પણ પતિદેવના શરીરમાં પ્રવેશવાનું છોડી દીધું.
ભલા ભાઈ, હવે નવી વહુ નાટક કરતી નથી,ઘરનાં તમામ કામ જાતે કરે છે,પતિદેવ પણ પત્નીના સ્વભાવમાં આવેલા ફેરફારથી ખૂશ છે,ઘરનાં બધાં સદસ્ય તો ખૂશ છે જ
જોકે,મને પછી જાણવા મળ્યુંકે, જોગણીના નાટકને ચાલુ રાખી તિજોરીની ચાવીઓ હસ્તગત કરવાની વાતો દીકરી અને માઁ એકાંતમાં કરતા હતાં ત્યારે, માઁ દીકરીની, આ વાત પતિદેવ સાંભળી જતાં, તેમણે પત્નીની સામે હનુમાનજી પોતાના શરીરમાં પ્રવેશતા હોવાનું નાટક કર્યું હતું.
દીકરી (નવી વહુ) ફોન ઉપર,તેની માઁ ને કહેતી હતી,” આજ પછી તારે મને કોઈ ઉપાય બતાવવા નહી, હનુમાનજીનો માર,તારે નહીં મારે ખાવો પડે છે…!!”
જોકે મને ખાત્રી છેકે, માઁ એ સામે એટલું ચોક્કસ કહ્યું હશેકે, “પુરુષો ભોળા દેખાતા હશે, પણ હોતા નથી,આપણે છેતરાઈ ગયાં બેટા.”
ઉપસંહાર – કોઈની સાથે છેતરપીંડી કરનારાને,વખત આવે,પોતાની કુશાગ્ર બુધ્ધિનો ઉપયોગ કરીને તેની ટેવ છોડાવવામાં કાંઈ ખોટું નથી.
આપના ઘરમાં આવા પ્રયોગ કરવાની નોબત આવે તો,દરેકે પોતાના જોખમે પ્રયોગ કરવા,મારી કોઈ જ જવાબદારી નથી.
ઘણીવાર હનુમાનજીને વાતાવરણ ગમે તો, કાયમ માટેય ઘરમાં રહી જાય..!! પછી મને કહેતા નહીં કે , મેં ચેતવ્યા ન હતા..!!

બોધકથાઓ

[1] શાણપણની સમજણ
જંગલો અને ડુંગરાઓના અંતરિયાળ પ્રદેશમાં એક ગામ હતું. ગામ એટલું ઊંડાણમાં હતું કે કોઈ મોટા શહેર કે નગર સાથે એને સંપર્ક નહોતો. ગામમાં નહોતી કોઈ શાળા કે નહોતી ભણવાની બીજી સગવડ. ગામની વસતિ સાવ અભણ હતી. પ્રાથમિક કક્ષાની ખેતી કરી લોકો અનાજ પકવતા અને પેટ ભરતા. અજ્ઞાનને કારણે પ્રજા અબુધ હતી અને તેમનામાં રાક્ષસ, ભૂત-પ્રેત જેવી ખોટી માન્યતાઓ પહેલેથી ચાલી આવી હતી.
એક દિવસ અચાનક ગામમાં એક ભણેલો માણસ આવી ચડ્યો. તેના આવ્યાના બીજા દિવસે તેણે અજબ દશ્ય જોયું ઘઉંના ખેતરમાંથી ઘઉં વાઢતા માણસોને એણે ભયભીત થઈ નાસતા જોયા. તેણે માણસોને રોક્યા અને પૂછયું : ‘તમે શા માટે નાસી રહ્યા છો ?’ ભાગનારામાંથી એક રોકાયો અને કહ્યું : ‘ખેતરમાં રાક્ષસ કે ભૂત જેવું કંઈક છે. તેનાથી બચવા અમે નાસી રહ્યા છીએ.’
ભણેલો માણસ રાક્ષસો કે ભૂતમાં વિશ્વાસ ધરાવતો નહોતો. એણે ઊભા રહેલા માણસને પૂછ્યું : ‘ક્યાં છે રાક્ષસ ? બતાવ મને.’ ખેતરના છેડે ઊભા રહી પેલા માણસે લીલા-કાળા રંગનો, જમીન પર પડેલો, મોટો દડા જેવો ગોળો બતાવ્યો. ભણેલો માણસ મનોમન હસી પડ્યો. એણે જોયું કે પેલો માણસ બતાવી રહ્યો હતો તે તો એક તરબૂચ હતું. ભણેલા માણસે કહ્યું, ‘આ રાક્ષસથી ડરશો નહીં. એનો હું વધ કરી નાખીશ. પછી તમે તમારું અનાજ લણવાનું કામ શાંતિથી કરી શકશો.’ આમ જણાવી તે માણસે ડીંટામાંથી તરબૂચ તોડી નાખ્યું. તેણે તરબૂચ કાપી તેની એક ચીરી ખાઈ બતાવી.
ગામલોકોને પહેલાં તો અચંબો થયો, પછી તેમને પેલા માણસ ઉપર શંકા-કુશંકા થઈ. તેમને લાગ્યું કે આ માણસ કોઈ રાક્ષસયોનિનો જ લાગે છે. તેથી જ તેણે નાના રાક્ષસનો વધ કરી તેનો ભક્ષ કર્યો છે. આથી ગામલોકોએ ભેગા મળી તે માણસને મારી નાખ્યો.
થોડા સમય પછી બીજો એક માણસ ગામમાં આવી ચડ્યો. એ ભણેલો હતો અને સાથે ગણેલો પણ હતો. લોકો ઘઉંના ખેતરમાં જતા નહોતા એ વિશેની વાત એણે જાણી. તરબૂચનાં બિયાંમાંથી ઊગેલાં બીજાં તરબૂચ પણ તેણે જોયાં. તે આખી વાત સમજી ગયો. તેણે એવું દેખાડ્યું કે ગામલોકો જેવો ડર એને પણ લાગ્યો છે. ગામમાં રહી ધીરે ધીરે એણે લોકોને શાકભાજી રોપતા, ફળ-ફૂલ ઉગાડતા અને બીજું નવું નવું શીખવ્યું. પછી તરબૂચ વિશે પણ સાચી માહિતી આપી. એ માણસ ગામલોકોનો આદર અને પ્રેમ મેળવી શક્યો.
સાચી માહિતી ધીમે ધીમે આપવી જોઈએ અને ગળે ઉતારવી જોઈએ. જ્ઞાન આપ્યા વગર એકાએક ચમત્કારનો ભાવ ઊભો કરવાથી સરવાળે નુકશાન થાય છે. માણસો સાથે ઘરોબો કેળવી શીખવો તો બહુમાન મળે છે.
.
[2] ત્રણ બહેરા અને એક મૂંગો
એક બહેરો ભરવાડ હતો. બકરાં ચરાવવા એ રોજ જંગલમાં જતો. એક દિવસ તેની વહુ બપોરનું ભાથું આપવાનું ભૂલી ગઈ. એટલે ઘેર જઈ એણે રોટલા લાવવા પડે એવું થયું. પાસેના ડુંગરની ખીણમાં એક માણસ ઘાસ વાઢતો હતો. ભરવાડે એ માણસને કહ્યું : ‘ભાઈ, હું મારે ઘેરથી ભાથું લઈ આવું એટલી વાર મારાં બકરાનું ધ્યાન રાખજે. કોઈ છૂટું પડી આઘે ન ચાલ્યું જાય, હોં.’
ઘાસ વાઢનારોય બહેરો હતો. એણે ભરવાડને જવાબ આપ્યો. ‘ચાલ, ચાલ ! મારા ઘાસમાંથી તને શાનો આપું ?’
ભરવાડે કહ્યું, ‘મારાં બકરાંનું ધ્યાન રાખવા તે હા પાડી માટે આભાર.’ આમ કહી એ ઘેર ગયો. પાછા આવી તેણે બકરાંની ગણતરી કરી. બરાબર એટલાં જ હતાં. ઘાસ વાઢનારો ભરોસાપાત્ર લાગ્યો. એટલે તેને કંઈક ભેટ આપવાનું ભરવાડે વિચાર્યું. એક લંગડું બકરું એ આમેય હલાલ કરવાનો હતો તે બકરું ખભે ઉપાડી તે ઘાસ વાઢનારા પાસે ગયો. કહ્યું, ‘લો, આ મારા તરફથી ભેટ.’ ઘાસ વાઢનારો ભડક્યો. બોલ્યો, ‘મેં તારાં બકરાં સામે જોયું પણ નથી. તારું બકરું લંગડું થયું એમાં મારો શો વાંક ? ચાલતો થા અહીંથી !’
ઘાસ વાઢનારાનો ગુસ્સો જોઈ ભરવાડને આશ્ચર્ય થયું. ત્યાં એક ઘોડેસવાર નીકળ્યો. ભરવાડે તેને રોક્યો ને કહ્યું : ‘આ માણસ તો જુઓ. હું એને બકરું ભેટ આપું છું ને તે ગરમ થાય છે.’ હવે ઘોડેસવાર ઘોડાને ચોરીને આવતો હતો અને એ પણ બહેરો હતો. ભરવાડ અને ઘાસ વાઢનાર બંને ઘોડેસવારની સામે જોઈ જોઈને રાડો પાડીને એકબીજા સામેની ફરિયાદ સંભળાવવા માંડ્યા. બહેરો ઘોડેસવાર ઘોડા પરથી ઊતરી કહેવા લાગ્યો : ‘ખરી વાત છે, મેં ઘોડો ચોર્યો છે, પણ મને ખબર નહીં કે એ તમારો છે. મને માફ કરજો. મારાથી આ ખોટું કામ થઈ ગયું છે.’ ત્રણે જણા પોતપોતાની વાત મોટે મોટેથી કહેવા માંડ્યા. ત્યાં એક વૃદ્ધ દરવેશ નીકળ્યા. ઘાસ વાઢનારે તેમને કૉલરથી પકડી રોક્યા અને કહ્યું, ‘અમે ત્રણે જણા એકબીજાને કહી રહ્યા છીએ, પણ કોઈ સમજતું નથી. તમે જ કંઈક ઉકેલ લાવો.’
થયું એવું કે દરવેશ મૂંગા હતા. ત્રણે બોલતા હતા તે એમણે સાંભળ્યું ખરું, પણ એ કંઈ બોલી શકે એમ નહોતા. એમણે તીવ્ર વેધક દષ્ટિએ એક પછી એક ત્રણેને જોવા માંડ્યા. ત્રણે અકળાયા. દરવેશની નજરથી તેમને ડર લાગ્યો. એટલે ઘોડા પર આવેલો માણસ એકાએક ઘોડો પલાણીને નાઠો. ભરવાડે એનાં બકરાં એકઠાં કરી ગામ ભણી જવા માંડ્યું. ઘાસ વાઢનારે ભારો બાંધી ઘર ભણી ચાલવા માંડ્યું.
કોઈ કોઈનું સાંભળે નહીં ને સમજે નહીં એમ દુનિયાનો વહેવાર આંધળે બહેરા જેવો અગડંબગડં ચાલે છે. વાણીને બદલે મૌન દષ્ટિની શક્તિ ભારે બળવાન છે. વેધક
[3] સબ કુછ ખો કે સબ કુછ પાયા
એક યુવાનને સત્ય અને અંતરની શાંતિ શોધવાનું મન થયું. ઘર છોડીને એ ચાલી નીકળ્યો. સિદ્ધ પુરુષો ધ્યાન ધરવા વનમાં જાય છે એવું એણે સાંભળેલું. તેથી એ જંગલમાં પહોંચ્યો. ધ્યાન ધરવા કોઈ મંત્ર જોઈએ, પણ યુવાનને કોઈ મંત્ર આવડતો નહોતો. યુવાને મન મનાવ્યું, ‘મંત્ર તો સાધન છે, ‘રામ રામ’ ચાલે અને ‘મરા મરા’ પણ ચાલે. બૂમને મંત્ર તરીકે અપનાવી યુવાને બૂમો પાડવા માંડી. ત્યાં એને એક બૌદ્ધ સાધુ મળ્યા. સાધુએ પૂછ્યું, ‘ભાઈ, આ શું કરે છે ?’ યુવાને કહ્યું, ‘મારે જીવનનો અર્થ જાણવો છે, સત્ય શોધવું છે, આધ્યાત્મિક શાંતિ મેળવવી છે; એટલે બૂમોના મંત્રથી જાપ જપું છું ને ધ્યાન ધરું છું.’
સાધુએ કહ્યું, ‘હું તને સહેલો રસ્તો બતાવું. તારે ગામે પાછો ફર. ગામમાં દાખલ થતાં એક પછી એક જે પહેલા ત્રણ માણસ મળે તેમને પૂછજે કે તેઓ શું કરે છે, તેમનો વ્યવસાય શો છે. યુવાન પોતાને ગામ પાછો ફર્યો. સામે પહેલા માણસ મળ્યો તેને સવાલ પૂછ્યો. પહેલા માણસે કહ્યું : ‘હું સુથાર છું. ફર્નિચર અને લાકડાંનાં સાધનો બનાવું છું.’ યુવાન આગળ ચાલ્યો. બીજો માણસ મળ્યો. તેને એ જ સવાલ પૂછ્યો. માણસે જવાબ આપ્યો, ‘હું ધાતુઓમાંથી ‘મૅટલશીટ’ બનાવું છું. એ બનાવવાનું મારું કારખાનું છે.’ આગળ જતાં યુવાનને ત્રીજો માણસ મળ્યો. યુવાને એને પણ એ જ પ્રશ્ન કર્યો. ત્રીજા માણસે કહ્યું : ‘હું ‘મૅટલશીટ’માંથી મૅટલના જાડા-પાતળા તાર બનાવું છું. એ તાર જુદાં જુદાં સાધનો, સંગીતનાં સાજ-વાજિંત્રો વગેરેમાં વપરાય છે.’ ત્રણે માણસના ઉત્તરોથી યુવાનને ન તો જીવન વિશે કે ન તો સત્ય વિશે કશું જાણવા મળ્યું, ન તો અંતરની શાંતિ મળી. એને લાગ્યું કે બુદ્ધ સાધુ છેતરી ગયા. નિરાશ થઈ એ નદીના કિનારે જઈ બેઠો. નદીનો પ્રવાહ જોતો હતો ત્યાં તેણે વાયોલિનમાંથી રેલાતા સંગીતના સૂર સાંભળ્યા. યુવાન એ સંગીતમાં લીન થઈ ગયો. સૂરની મધુરતામાં એ ખોવાઈ ગયો. એને થયું કે આ ખોવાઈ જવું એ જ જીવન છે. જીવનનું સત્ય અઘરું નથી, સહેલું છે, સરળ છે. જીવન દુઃખદાયક નથી, રસપ્રદ છે. તેને અપાર શાંતિ થઈ. શાંતિ આધ્યાત્મિક એકલપણામાં નથી, દુન્યવી ઘોંઘાટમાં પણ નથી, જીવનના સંગીતમાં છે.
યુવાનને સમજાયું કે સત્ય, જીવન કે શાંતિ દુનિયાથી ભાગીને જંગલમાં ચાલ્યા જવાથી, યાંત્રિક જપ-જાપથી, દેહને કષ્ટ આપવાથી નથી મળતાં. સુથારે ઘડેલા વાજિંત્ર, ઉદ્યોગપતિએ બનાવેલા ‘મૅટલ’ અને કારીગરે સર્જેલા તાર, એ બધાં એકત્રિત થાય ત્યારે કંઈક સુરીલું બને. જાતને ખોઈ દેવાથી શાંતિ પ્રાપ્ત થાય. બધાં કાર્યોનું ગૌરવ કરવા, તેમનું સુગ્રથિત સંકલન કરવા અને પોતાને ખોઈ નાખવા યુવાન સંસારમાં પાછો ચાલ્યો ગયો.
બુદ્ધને કોઈકે પૂછ્યું : ‘બોધિતત્વ પામવાથી તમે શું મેળવ્યું ?’ બુદ્ધે જવાબ આપ્યો, ‘મેં કશું મેળવ્યું નથી. બધુ ગુમાવ્યું છે – મારું અજ્ઞાન, સપનાં, જડ વિચારો, અભિગ્રહો, પૂર્વગ્રહો, મહત્વાકાંક્ષાઓ, બધું ગુમાવ્યું.’
.
[4] ચમત્કાર, અકસ્માત કે ઋણાનુબંધ
હરકિશનને લગ્નવિષયક ‘મેટ્રિમૉનિયલ્સ’ જાહેરાતો વાંચવાનું બહુ ગમતું. પોતે તો પરણેલો હતો. લગ્નજીવન સુખી હતું, પણ કેવા કેવા લોકો કેવી કેવી પત્ની કે પતિને શોધતા હોય છે એ વાંચીને એને ભારે રમૂજ થતી. વળી ક્યારેક પોતાના કોઈ મિત્રસંબંધીને કામ લાગે એવી જાહેરાત જોવા મળે તો તે મિત્ર-સંબંધીનું ધ્યાન પણ ખેંચતો. કોઈક કિસ્સામાં એમાંથી સફળ પરિણામ પણ મળતું.
હરકિશન એક દિવસ લગ્નવિષયક જાહેરાત વાંચતો હતો ત્યારે એને અચંબો થયો. જાહેરાતમાં લખ્યું હતું : ‘હેતલ, તને યાદ છે આપણે બેંગલોરમાં સાથે કામ કરતાં હતાં. હૃદય મળી ગયાં હતાં, પણ નિયતિએ આપણા ભાગ્યમાં કંઈક બીજું લખ્યું હતું. ખેર, હજી હું તને ચાહું છું. આ ફોન નંબર પર સંપર્ક કરીશ ? – જગમોહન. નીચે ફોન નંબર આપ્યો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે જગમોહન હરકિશનનો મિત્ર હતો. નીચે આપેલો નંબર મિત્ર જગમોહનનો જ હતો. જોકે હમણાં થોડા વખતથી જગમોહનને મળાયું નહોતું. બીજે દિવસે હરકિશને જગમોહનને ફોન કર્યો ને પૂછ્યું : ‘શું મામલો છે ?’ જગમોહને કહ્યું : ‘કિશન આપણે મિત્રો બન્યા તે પહેલાંની વાત છે. એટલે તું જાણતો નથી, પણ તને કહેવાનો વાંધો નથી.’ જગમોહને પોતાની કથા માંડી. એ અને હેતલ એક જ કંપનીમાં કામ કરતાં હતાં. બંને એકબીજાનાં પ્રેમમાં પડ્યાં, પણ હેતલનાં માતા-પિતાનું કહેવું હતું કે સત્તર વર્ષની હેતલ લગ્ન માટે હજુ બહુ નાની હતી. પછી તો હેતલનું કુટુંબ મુંબઈ શિફ્ટ થયું. જગમોહન અમદાવાદ સેટલ થયો.
ચારપાંચ વર્ષ પછી હેતલના કુટુંબે તેનાં લગ્ન એક પરદેશ વસતા યુવાન સાથે કર્યાં. જગમોહનનું હૃદય ભાંગી ગયું. જોકે એણે પણ લગ્ન કરી લીધાં. હેતલ કે એનાં કુટુંબ સાથે કંઈ સંપર્ક રહ્યો નહીં. જગમોહનનું લગ્ન સુખી હતું, પણ જગમોહનને વસવસો હતો કે હેતલ સાથે લગ્ન થયું હોત તો વાત કંઈ જુદી જ બનત. ચાર-પાંચ વર્ષ પછી જગમોહનની પત્ની મૃત્યુ પામી. જગમોહન એકાકી થઈ ગયો, પણ હેતલ મળે તો વાત જુદી હતી, બાકી બીજું લગ્ન કરવાની એની તૈયારી નહોતી. જગમોહનને વિચારો આવતા, હેતલ ક્યાં હશે, ભારતમાં કે બીજે ક્યાંક, એ સુખી
[5] પ્રેરણા
બે સગા ભાઈઓ હતા.
એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.
ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.
હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !
દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !
.
[6] સાધુ
વર્ષો પહેલાં ગંગાજીના કાંઠે એક યુવાન સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આમ તો એ જિંદગીની વિટંબણાઓથી કંટાળ્યો હતો અને સ્વભાવે આળસુ હતો એટલે જ સાધુ બન્યો હતો. એક દિવસ એ ગંગાજીના કાંઠે આવેલી પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠો હતો ત્યારે એણે કાંઈક મોટી અને ચળકતી વસ્તુને ગંગાજીમાં તણાઈને જતા જોઈ. એ જોતાવેંત એણે ગંગાજીના પ્રવાહમાં ઝંપલાવી દીધું. પ્રવાહના જોર સામે ઝીંક ઝીલતો એ પેલી વસ્તુ સુધી પહોંચ્યો. જોયું તો એ ચળકતી વસ્તુ ચાંદીનું એક મોટું વાસણ હતું. એણે તો એ મોટું વાસણ છાતીસરસું ચાંપીને પાછા તરવાનું શરૂ કર્યું.
એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે ગંગાજીના પ્રવાહમાં એની ધારણા કરતા વધારે તાણ હતું. એને તકલીફ પડવા માંડી. એ સાધુ યુવાન જરૂર હતો, પરંતુ એક હાથે વાસણ પકડ્યું હતું એટલે હવે તરવા માટે પણ એક જ હાથ છુટ્ટો રહ્યો હતો. સાધુએ હતું તેટલું જોર લગાવીને તરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ એ કાંઠે આવવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ ગંગાજીનો પ્રવાહ એને વધારે ને વધારે અંદર ખેંચતો જતો હતો. અંતે જ્યારે એને એવું લાગ્યું કે બે હાથના પ્રયત્ન વિના હવે પોતાની જિંદગી બચાવવી અઘરી બની જશે ત્યારે એણે પેલા વાસણને છોડી દીધું. એ પછી પોતે તરતો તરતો કાંઠે પહોંચી ગયો. કાંઠે પહોંચ્યા પછી થાક ખાઈ લીધા પછી એણે ગંગાજીના પ્રવાહ તરફ નજર નાખી. પેલું મોટું વાસણ પાણીના પ્રવાહ જોડે દૂર જઈ રહ્યું હતું. એનાથી બોલી પડાયું કે, ‘મારું આટલું મોટું ચાંદીનું વાસણ તણાઈ ગયું.’
હવે આ બધું ચાલતું હતું ત્યારે એક વયોવૃદ્ધ સંત દૂર બેઠા બેઠા આ આખો ખેલ જોઈ રહ્યા હતા. એ પેલા યુવાન સાધુ પાસે આવ્યા. એના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ભાઈ ! એ ચાંદીનું વાસણ તો તણાતું તણાતું એના રસ્તે જઈ રહ્યું હતું. એને તારી સાથે કાંઈ લેવાદેવા હતી જ નહીં. એ તારું તો હતું પણ નહીં. એક તો તેં ગંગાજીના પ્રવાહની વચ્ચે જઈને એને પકડ્યું. પછી તારી જિંદગી બચાવવા માટે એને છોડી દીધું ! બસ, એટલી વારમાં એ તારું થઈ ગયું ? મારા ભાઈ, તારી પાસે જે વસ્તુને ઈશ્વરે મોકલી હોય તેનો આનંદ લે એ બરાબર, પરંતુ જે તારી પાસેથી જતું રહે એને પણ એટલા જ આનંદથી જવા દે ! આપણે એટલું જ યાદ રાખવાનું કે દુનિયાની દરેક વસ્તુ આપણને ભાડે મળેલી છે. એ ક્યારેય આપણી હતી જ નહી એટલે આવો શોક શા માટે ?’
આટલું કહીને એ વયોવૃદ્ધ સાધુ પોતાના રસ્તે ચાલતા થયા. પેલો યુવાન સાધુ કદાચ આજે પહેલી વખત સાધુત્વનો પહેલો અને ખૂબ અગત્યનો પાઠ ભણ્યો હતો. એ પણ હળવોફૂલ થઈને ગંગામૈયાના પ્રવાહને નિહાળી રહ્યો.
[7] સોનાનો કળશ
ઘણા જૂના જમાનાની વાત છે. તિબેટમાં બે ભાઇબંધો રહેતા હતા. એકનું નામ ચાંગ, બીજાનું નામ કાંગ. બેઉ પાકા દોસ્ત. એકબીજાના દુ:ખે દુ:ખી થાય તેવા. પણ પૈસો બહુ ખરાબ છે. ગમે તેવા હોય તેમાં ફૂટ પડાવે. એક દિવસ ચાંગ અને કાંગ પહાડી ઉપર આવેલ બુધ્ધ ભગવાનના મંદિરે જતા હતા. રસ્તો અતિશય વિકટ અને ભયંકર હતો. ચાલતાં ચાલતાં થાકી ગયા. એટલે એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ચાંગે મીઠાવાળી રોટલી કાઢી. કાંગને અડધી આપી. વાતો કરતા જાય અને ખાતા જાય.
ચાંગ ધીમે ધીમે ખાતો જાય ને જમીન ખોતરતો જાય. એવામાં જમીનમાં કાંઠા જેવું કંઇક દેખાયું. કાંગ ચમક્યો. ‘ચાંગ, નક્કી ખજાનો.’ માંડ્યા બેઉ ખોદવા. અને સાચે જ એક ચરુ મળી આવ્યો. સોનામહોરથી ભરેલો ચરુ જોઇ કાંગની દાનત બગડી. આટલી બધી સોનામહોરો મને મળી જાય તો? તિબેટનો સૌથી ધનવાન માણસ બની જાઉ. તેણે ચાંગને છેતરવાનું મનોમન નક્કી કર્યું. ચાંગ હતો ભોળો. એટલે મોં ફૂલાવીને કહે : ‘ચાંગ, હું નથી માનતો કે આ બધી સોનામહોરો સાચી હોય! આમ જંગલમાં આ સાચી સોનામહોરો આપણાં માટે કોઇ દાટે ખરું? તું કહે તો હું મારા ઘેર લઈ જાઉં. જો સાચી નીકળશે તો આપણા બન્નેનો અડધો ભાગ. પણ સોનીને બતાવીએ પછી ખબર પડે!’
ભોળો ચાંગ કહે, ‘ભલે! તેણે મિત્રની દાનતને પારખી લીધી, પણ કશુ બોલ્યો નહીં. કાંગ સોનાનો કળશ માથે મૂકી એના ગામ ભણી ઊપડ્યો. ચાંગ એના ગામ જવા નીકળી પડ્યો. એકાદ મહિનો વીતી ગયો છતા કાંગ તરફથી કશા સમાચાર ન મળ્યા, એટલે ચાંગ મિત્રને મળવા ઊપડ્યો. કાંગના ઘરના ફળિયામાં હજુ પગ મૂકે ત્યાં તો કાંગ પોકે ને પોકે રડવા લાગ્યો. ચાંગને નવાઈ લાગી. એને થયું કે, મારા મિત્રને ત્યાં એવું તે શું બન્યું છે કે આમ પોક મૂકીને રડે છે. તેણે આશ્વાસન આપવા માંડ્યું, ‘દોસ્ત, શા માટે રડે છે? તારા દુ:ખમાં પણ હું સહભાગી છું. શું થયું?’ કાંગ બનાવટી આંસુ લૂછતા બોલ્યો, ‘મિત્ર, આપણે લૂંટાઈ ગયા. આપણો કળશ અને સોનામહોરો સાવ ખોટા નીકળ્યા.’ ચાંગ કહે, ‘અરે એમાં આમ રડે છે શા માટે? એ ક્યાં આપણી કમાઈ હતી. એ તો વળી ભગવાનના દર્શને જતાં મળેલા છે ને ખોટા નીકળ્યા, એનું તું માઠું ન લગાડ.’ કાંગ તો ચાંગનું કહેવું સાંભળી ખૂબ રાજી થઈ ગયો. ચાંગની ખૂબ ખાતબરદાસ્ત કરી, સારું સારું જમાડ્યું, બે દિવસ રોક્યો. ભાઈબંધીની કેટકેટલીય વાતોનાં ગપ્પાં લડાવ્યાં.
બે દિવસ પછી ચાંગે જવાની રજા માગી. ‘જો દોસ્ત, હું તો રહ્યો એકલો માણસ. મને ઘેર ગમતું નથી. તારા બેઉ છોકરા મોકલ તો થોડા દિવસ સાથે લેતો જાઉં?’ કાંગને તો એટલો દલ્લો હાથ લાગ્યો હતો એટલે ખૂબ આનંદમાં હતો. તેથી ઉત્સાહમાં કહે, ‘લઈ જાને દોસ્ત, બેઉ છોકરા તારા જ છે. મારી ભાભીનું દિલ પણ જરા હળવું બનશે. પંદર દિવસ પછી હું આવીને તેડી જઈશ.’
ચાંગ બેઉ છોકરાને લઈ નીકળી પડ્યો. જંગલમાંથી પસાર થતા હતા, ત્યાં તેમણે બે વાંદરાનાં બચ્ચાં જોયાં. ચાંગે બેઉ બચ્ચાંને પણ પકડીને સાથે લીધાં. ઘેર આવી એને પેલાં બાળકો સાથે ઉછેરવા લાગ્યો. ચાંગે એમને માણસની ભાષાના કેટલાક શબ્દો પણ સમજવાની તાલીમ આપી. તેમના નામ પણ ચંગુ-મંગુ પાડ્યાં. ચંગુ-મંગુ કહેતા દોડી આવતાં અને માનવ-બાળ જેવી જ હરકતો કરતાં. આમ જોતજોતામાં પંદર દિવસ વીતી ગયા. કાંગે સમાચાર કહેવડાવ્યા કે, હું મારા છોકરાઓને તેડવા આવું છું.
ચાંગે બેઉ છોકરાઓને જંગલમાં ફળ તોડવા મોકલી દીધા. બપોરે કાંગ આવ્યો. કાંગને જોઈ ચાંગ પોક મૂકીને રડવા લાગ્યો. કાંગને નવાઈ ઉપજી. તેને થયું કે, છોકરાઓને તો કંઈ થયું નહીં હોય ને? એ તો એકદમ ગભરાઈ ગયો. આખા શરીરે પરસેવો વળી ગયો. ચાંગના ખભા પકડી હચમચાવતાં કહે, ‘અરે દોસ્ત, તું કેમ રડે છે? ચંગુ-મંગુ કેમ દેખાતા નથી?’ ચાંગ કહે, ‘એ જ વાત છે મિત્ર, તારા બેઉ છોકરાઓ અહીં આવ્યા પછી વાંદરા બની ગયા છે. મારા તો દુ:ખનો પાર નથી. જો હું એને બોલાવું.’ એમ કહી ચંગુ-મંગુના નામની બૂમ પાડી. બેઉ વાનર બચ્ચાંઓ દોડી આવ્યાં. ચાંગને વળગી પડ્યા. કાંગનું લોહી જાણે થીજી ગયું. બીક તો એવી લાગી કે ચાંગના પગ પકડી લીધા, ‘દોસ્ત, મારી ભૂલ માફ કર. મને પૈસાની લાલચમાં દોસ્તી ભુલાઈ ગઈ હતી.’ આમ રડતાં રડતાં માફી માગી. એટલામાં ફળ વીણવા ગયેલા બેઉ છોકરાઓ ચાંગના ઘેર પાછા આવ્યા. પિતાને જોતાં જ ભેટી પડ્યા.
ચાંગે બાળકોને સોંપી દીધા. કાંગ કહે, ‘મિત્ર, તું પણ ચાલ, તારો અડધો ભાગ મારી પાસે છે તે લઈ જા.’ ચાંગ પણ કાંગ સાથે ગયો. બેઉ મિત્રોએ સોનામહોરોનો અડધો ભાગ કરી વહેંચી દીધો. બેઉ સુખેથી રહેવા લાગ્યા. ‘બાળમિત્રો’, લક્ષ્મીની લાલચ બૂરી છે.
[8] સમયની કિંમત
એક હતા સાધુ મહાત્મા. દૂર જંગલમાં મઢૂલી બાંધીને રહે. આજુબાજુના ગામમાં એમની ભારે મોટી નામના. શરીરે વાઘનું ચામડું વીંટાળે. લોકો એમના આશીર્વાદ લેવા પડાપડી કરે. કોઈ કહેતું એમની ઉંમર દોઢસો વર્ષની છે. અમારા દાદાના દાદાએ એમને આવા જ જોયેલા. મહાત્માજી ભારે પવિત્ર. લોકોને ઉપદેશ આપે. લોકો તેમની વાત ધ્યાનથી સાંભળે. સુખદુ:ખમાં કેમ રહેવું તે જાણી આનંદ પામતા ઘેર જાય. આ મહાત્માજીનાં દર્શને એક પંદર વર્ષનો બ્રાહ્મણનો છોકરો આવે. તેનું નામ વેણીશંકર. વેણીશંકરના મા-બાપ મરી ખૂટેલાં. ઘેર એકલો. તેને મહાત્માજીની સેવા કરવાનું મન થયું.
એક દિવસ તેણે બાબાજીને કહ્યું : બાબાજી, મને તમારો ચેલો બનાવશો?’ મહાત્માજીએ ભોળા યુવાન સામે જોયું. ‘બેટા, તું હજી કુમળી વયનો છે. તારે હજુ સંસાર જોવો જોઈએ. લગ્ન કરવાં જોઈએ, પાછલી ઉંમરમાં સાધુ બનજે !’ પણ વેણીશંકરે તો સેવા કરવાની હઠ લીધી. મહાત્માજીએ છોકરા વિશે લોકોને પૂછપરછ કરી. વેણીશંકર એકલો જ હતો. મહાત્માજીએ એને ચેલા તરીકે સ્વીકાર્યો. વેણીશંકર ઘેર તાળું મારી મહાત્માજીની સેવામાં લાગી ગયો. રોજ મઢૂલીને વાળીઝૂડી સાફ કરે, પાણી ભરી લાવે, જંગલમાંથી ફળ-ફૂલ વીણી લાવે. ગુરુજી રોજ એક કલાક તેને ઉપદેશ આપે.
આમ દિવસો વીતી ગયા, વર્ષો પણ વીત્યાં. એક દિવસ ગુરુજીને થયું કે, હવે વેણીશંકરને પાછો મોકલવો જોઈએ. તેમણે વેણીશંકરને પાસે બોલાવી કહ્યું : ‘બેટા, હવે તારે તારા ગામ જવું જોઈએ.’ ગુરુજીની વાત સાંભળી તેને પોતાનું ગામ…તેનું ઘર સાંભર્યું. ઘેર જઈને ખાવું શું? તેને યાદ આવી ગયું કે ખરચી માટે ગુરુજીને વાત કરું. લોકો કહે છે કે ગુરુજી પાસે પારસમણિ છે. જે લોઢાને અડતાં જ સોનું બનાવી દે છે. જો પારસમણિ મળી જાય તો જિંદગીની નિંરાત થઈ જાય!
તેણે ધીરે રહીને વાત ઉપાડી : ‘ગુરુજી, મારી એક વિનંતી છે!’ ગુરુજી કહે, ‘બોલ…’
‘મને પારસમણિ આપો તો મારા સંસારનું ગાડું ચાલ્યું જાય.’ ગુરુજી થોડીવાર વિચારમાં પડી ગયા. પછી ધીરેથી કહે, ‘વેણી, જો તને બે દિવસ માટે પારસમણિ આપું છું. આજ માટે અને કાલ માટે. કાલ સાંજે હું પાછો લેવા તારા ઘેર આવીશ.’
વેણીશંકરને થયું કે, બે દિવસ તો ઘણા છે. અરે એક કલાક પણ મળે તોય બહુ કહેવાય! કેટલું લોઢું સોનામાં ફેરવી શકાય!’ તેણે હાથ જોડી ગુરુજીને કહ્યું : ‘ભલે, આપ કાલે સાંજે મારે ત્યાં પધારજો.’ ગુરુજીએ ઝોળીમાંથી પારસમણિ કાઢયો. તેની સામે ઘીનો દીવો પેટાવ્યો. ધૂપ-દીપ કરી થોડા મંત્રો ભણ્યા. સદગુરુને આ વિધિ કરતા જોઈ વેણીશંકર હાથ જોડી બેસી રહ્યો. થોડી વારમાં પારસમણિમાં દીવા જેવું તેજ પ્રગટ્યું. ગુરુજીએ તેને એક ડબીમાં રૂ સાથે મૂકી ડબી બંધ કરી આપી. ‘જો…આ ત્રણ દિવસે નકામો બની જશે. જે કરવું હોય તે કાલ સાંજ સુધીમાં કરજે. હું કાલ સાંજે આવી પાછો લઈ જઈશ.
વેણીશંકર પ્રણામ કરી વિદાય થયો. એનું ગામ જરા દૂર હતું. કંઈ વાહન હતું નહીં, તેથી ચાલતો ઘેર ગયો. પણ થાકી ગયો. બપોર પછી ઘેર પહોંચ્યો. ઘરને વાડીઝૂડી સાફ કર્યું. પછી તેણે વિચાર કર્યો કે, કયા લોખંડને પારસમણિ અડાડવો! ઘરમાં ઝાઝું લોખંડ નથી એટલે બજારમાં જઈ લોખંડનાં મણીકં લઈ આવું! દસેક મણીકાંને પારસમણિ અડાડીશું એટલે જિંદગીનું દળદર મટી જશે. એને થાકના લીધે ઊંઘ આવતી હતી, એટલે થયું કે લાવને જરા ઊંઘ ખેંચી લઉં, હજુ તો કાલનો આખો દિવસ બાકી છે.
જેવો સૂતો કે ઘસઘસાટ ઊંઘી ગયો. આંખ ખુલી તો સૂરજ આથમવા ગયો હતો. એણે ઝટપટ કપડાં પહેર્યાં. ઊપડ્યો બજારમાં. પણ નસીબ બે ડગલાં આગળ હતું. કોઈ તહેવારના લીધે ગામની બજારો બંધ હતી.
‘કંઈ વાંધો નહીં, કાલે બજારમાં આવીશ.’ આમ નક્કી કરી ઘેર ગયો. રસોઈ બનાવી જમ્યો, પછી ઊંઘી ગયો. બીજો દિવસ થયો. સવારમાં નાહી-ધોઈ પૂજામાં બેઠો. મોડેથી રસોઈ કરી. પછી બજારમાં નીકળ્યો. વેપારીને ત્યાં મણીકાંની તપાસ કરી. મણીક એટલે મણ. (વીસ કિલો જેટલું જૂનું કાટલું) એક જ દુકાને એને દસ મણનાં કાટલાં થોડાં મળે?’ બહુ બહુ તો બે કાટલાં હોય!
એક દુકાનદારે તેને પૂછ્યું : ‘કેમ મહારાજ, દસ મણીકાં તમારે શું કામ જોઈએ છે?’
‘મારે મણીકાં પૂજવાં છે !’ વેણીશંકરે મજાકમાં જવાબ આપ્યો.
‘તમને પૈસા ચૂકવીએ છીએ…..પછી શી પંચાત?’
દુકાનદાર કહે, ‘આ તો સહજ પૂછું છું! કહો તો બધી દુકાનેથી મણીકાં ભેળાં કરી પછી લારીમાં મૂકી મજૂર જોડે તમારે ઘેર મોકલું!’ ‘હા, તો પછી એમ કરો…ઘેર મોકલી આપો. હું ઘેર જ છું. તમારા ભરોસે કામ છોડું છું.’
‘તમતમારે બેફિકર રહો, જાવ.’ દુકાનદાર બોલ્યો. વેણીશંકર ગયો. એટલે દુકાનદાર પણ આડો પડ્યો. ગાદી પર બેસનાર પણ આળસુ હોય છે. સમય વહેવા લાગ્યો. સાંજ પડી ગઈ. વેણીશંકર હાંફળો-ફાંફળો દુકાનદાર પાસે આવ્યો. ‘અરે…મહારાજ હમણાં એકઠાં કરું. બીજી દુકાનેથી મંગાવતાં કેટલી વાર?’ સૂરજ આથમી જશે એ બીકે વેણીશકરે તાકીદ કરી. મજૂર બધી દુકાને ફરી વળ્યો. દસ મણીકાં એકઠાં થયાં. તેણે લારીમાં મૂકી ઘેર લાવ્યાં.
વેણીશંકર ઉતાવળો ઉતાવળો ઘેર પહોંચ્યો. પણ સમય વીતી ગયો હતો. સૂરજદાદા એમનું રતુંમડું મોં ધરતીની ગોદમાં છુપાવી ગયા. વેણીશંકરે ઝટપટ ઘીનો દીવો પેટાવ્યો. પારસમણિ કાઢી એક મણીકાંને અડાડી જોયો…પણ તે તો લોખંડનું લોખંડ રહ્યું. વેણીશંકરે કપાળ કૂટ્યું. એવામાં પેલા ગુરુજી આવી પહોંચ્યા. ‘વેણીશંકર સમય વીતી ગયો. પારસમણિ?’ વેણીશંકર ગુરુજીને પગે લાગ્યો. બધી હકીકત રડતાં રડતાં કહી સંભળાવી.
ગુરુજી કહે, ‘મૂરખ, તારા નસીબ આડેથી પાંદડું ન ખસ્યું. આજનું કામ કાલ પર ન કરાય! તને બે દિવસ મળ્યા હતા. ફટ ભૂંડા! પારસમણિને ઘરની ચીજો….લોખંડના કડાં, સાંકળ, ખીલા, ખીલીઓ, કોશ, પાવડો….જે મળે તેને અડાડ્યો હોત તો! પણ તું લોભમાં તણાયો. બધું જ ગુમાવ્યું. તારા લોભને થોભ નથી. વળી આજનું કામ અત્યારે જ કરવાની ત્રેવડ નથી. માટે તારાં કરમ ભોગવ. હવે પારસમણિ તો ફરીથી સિદ્ધ નહીં થાય. પણ આ લે સોનાની કંઠી…તેમાંથી આજીવિકા ચલાવજે!’ મહાત્માજી પારસમણિ લઈને વિદાય થયા.
[9] ઈશ્વર ની મદદ…..
એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ… ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું.
તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે …ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે
એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.દિવસોપસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડા ની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે.
મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું. અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો.
અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે!એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.
ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયા ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.
સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગે છે….!
(10). ઈ-મેલ
ઍક બેરોજગાર વ્યક્તિઍ માઇક્રોસોફ્ટમા “ઑફીસ બોય” (જે નાનુ મોટુ કામ કરે તે) માટે અરજી કરી.
ત્યાના મેનેજેર તેનુ ઇંટરવ્યૂ લીધુ અને તપાસણી માટે તેની પાસે પોતા મરાવી ને જોયા. ત્યાર બાદ મેનેજેરે કહ્યુ : “તમને નોકરી મળી ગઈ છે, તમે તમારુ ઈ- મેઈલ આઇડી આપો,અમે તમને ઍક ફોર્મ આપશુ તે ભરી તમે અમને ઈ- મેઈલ કરજો, અને પછી તમે નોકરી શરૂ કરી શકશો”
તે વ્યક્તિ ઍ કહ્યુ : “ના તો મારી પાસે કંપ્યૂટર છે ના ઈ-મેઈલ આઇડી”.
આ સાંભળીને મેનેજર બોલ્યો : “મને માફ કરજો હૂ તમને આ નોકરી ના આપી શકુ, જો તમારી પાસે ઈ-મેલ આઇડી નથી તો તમારુ અસ્તિત્વ જ નથી અને જેનુ અસ્તિત્વ જે ના હોય તેને આ નોકરી ના આપી શકાય.”
તે ત્યા થી નિરાશ થઈ ચાલવા લાગ્યો, તેને સમજાતુ નહતુ કે તે શુ કરે?
તેની પાસે તેના ખિચામા માત્ર $૧૦ હતા. તેને નક્કી કર્યુ કે તે સૂપર માર્કેટ જશે અને ત્યાથી તે ટામેટાનુ ઍક નાનુ બૉક્સ ખરીદશે.
તેને તે ટામેટાને ઘરે ઘરે જઈ વહેચ્યા, બે જ કલાકમા તેને તેની મૂડી બમણી કરી નાખી, આવી રીતે તેને ત્રણ વાર ઘરે ઘરે જાઇ ને ટામેટા વહૅચ્યા અને ઘરે આવ્યો ત્યારે તેની પાસે $૬૦ હતા.
આ જોઈ તેને સમજાયુ કે તે તેનુ અસ્તિતવા ટકાવી શકે છે, હવે તે રોજ વહેલા જઈને અને મોડે સુધી કામ કરતો.
આવી જ રીતે તે રોજ તેની મૂડી ને બમણી અને ત્રિગુનિ કરવા લાગ્યો.
બહુ ઓછા સમયમા તેની પાસે ઍક લારી, પછી ટ્રક, ત્યારબાદ તેને ઘરે ઘરે સામાનની ડિલીવરી પહોચડતા વાહનો વસાવ્યા. અને ૫ વર્ષ પછી તે યૂ ઍસ નો મૉટો ફૂડ રીટેલર બની ગયો. હવે તે પોતાના પરિવારના ભવિષ્ય માટે વિચારવા લાગ્યો. તેને નક્કી કયુ કે તે ઍક લાઇફ ઈન્સુરેનસ લેશે.તેને ઍક ઈન્સુરેનસ ના ઑફીસર ને બોલાવી ને પોતાના ભવિષ્ય માટે નો પ્લાન નક્કી કર્યો.
જ્યારે આ પ્લાન નક્કી થઈ ગયો ત્યારે ઑફીસર ઍ તેમનુ ઈ-મેલ આઇડી પુછયુ. તેને જવાબ આપ્યો : “મારી પાસે ઈ-મેઈલ આઇડી નથી”
ઑફીસરઍ કહ્યુ:” તમારી પાસે ઈ-મેલ આઇડી નથી અને છતા તમે આટલા મોટા બીસનેસના મલિક છો! તમે ક્યારેય વિચાર્યુ છે કે જો તમારી પાસે ઈ-મેલ આઇડી હોત તો તમે શુ હોત?”
તે વ્યક્તિઍ થોડી વાર વિચારીને જવાબ આપ્યો : “હા હૂ માઇક્રોસૉફ્ટ મા ઍક ઑફીસ બોયની પદવી પર હોત.”
બોધપાઠ:
-ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તે તમારી જિંદગીનુ નિરાકરણ નથી.
– જો તમારી પાસે ઈ-મેલ/ વોટ્સ અપ/ ફેસબુક નહી હોય તો પણ સખત પરિશ્રમ વડે તમે ધારેલા ધ્યેયને પામી શકશો. ં

માણસાઈથી છલકાતા હૈયા

(આ સંસાર કપટી માણસોથી ભરેલો છે. પરંતુ અમુક વખત આપણને કેટલાક એવા માણસો મળે છે, જેને આપણે ભગવાનના માણસ કહી શકીએ છીએ. જેમનામાં લાગણીઓના ઝરણા સતત ફૂટતા રહે છે. એવા લોકો પરમાર્થને ખાતર પોતાનો જીવ આપવા પણ તૈયાર થઇ જાય છે. તેઓ હંમેશા બીજાનું ભલું ઇચ્છે છે. આવા લાગણી નીતરતા હૈયા વાળા માણસો જેમનામાં માનવતા ભારોભાર રહેલી છે. એવા માણસાઈના દીવા સમાન લોકોના કેટલાક જીવનપ્રસંગો અહી સંકલિત કર્યા છે.
– ચિંતન પટેલ )
[1] ભાઈ ! હું તારી બહેન થાઉં હોં !
આ એક સત્ય ઘટના છે.
સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. શાળા અને કૉલેજોમાં પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યા અને ઘંટ વાગ્યો. સુપરવાઈઝરે વિદ્યાર્થીઓનાં પેપર્સ લેવા માંડ્યાં. પેપર્સ આપી આપીને પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડની બહાર નીકળી એકબીજાની સાથે વાતો કરતા કરતા ઘર તરફ વળ્યા. એ સમયે સુશક્તિ પણ પરીક્ષાનું ઉત્તરપત્ર આપીને એકલી ઘેર જવા નીકળી. તેની પાસે ન તો સાઈકલ હતી કે ન તો કોઈ સંગાથ હતો. એટલે એ ઝડપથી એકલી એકલી ચાલતી જતી હતી. પેપર સારું ગયું હતું એનો એના હૈયામાં આનંદ હતો.
એવામાં જ એક બીજી કૉલેજનો રોમિયો સુશક્તિની પાછળ પાછળ ગમે તેવા શબ્દો બોલતો, બબડતો આવવા લાગ્યો. એ કેટલીયે વાર હોઠોના બુચકારા બોલાવતો. જાણે એને પ્રેમ કરતો હોય એવા ચાળા કરતો, સુશક્તિ ઉપર કાંકરા ફેંકતો, ઈશારા કરતો એની છેક નજદીક પહોંચી ગયો. સુશક્તિને ખ્યાલ આવી ગયો કે એની પાછળ પાછળ કોઈ આવે છે એટલે એ એક ઝાડ નીચે ઊભી રહી. એણે ચારે તરફ જોયું પણ પેલા રોમિયો સિવાય એને કોઈ દેખાયું નહિ, ત્યાં તો પેલાએ પાસે આવીને હસતા હસતા કહ્યું : ‘ચાલ, સામે હોટલ છે ત્યાં જઈને આઈસ્ક્રીમ ખાઈએ અને મજા કરીએ.’ ત્યાં જ સુશક્તિની આંખ અચાનક દૂરથી સાઈકલ પર આવતા બે છોકરાઓ પર પડી પણ પેલો રોમિયો કહે : ‘આઈ લવ યુ માય ડાર્લિંગ, ચાલ જલદી કરને…’ આ શબ્દો સાંભળતાં જ સુશક્તિએ એને પાસે બોલાવી જોરથી બે-ચાર તમાચા ચોડી દીધા અને પછી તો એને પકડીને એની સારી પેઠે ધોલાઈ કરી.
ત્યાં જ પેલા બે છોકરાઓ આવી પહોંચ્યા. એમણે પણ એ રોમિયોની સારી પેઠે ધોલાઈ કરી. એને એવો માર્યો કે બિચારો જમીન પર ઢળી પડ્યો અને રડવા લાગ્યો. અચાનક ત્યાં ફરતા-ફરતા બે પોલીસ આવી ચડ્યા. પોલીસ એને પકડીને ચાલવા લાગ્યા ત્યાં જ સુશક્તિ પેલા બે છોકરાઓને અને પોલીસને કહેવા લાગી :
‘ભાઈ, એને છોડી દો, હવે કદાપિ એ કોઈ છોકરીની છેડતી નહીં કરે.’
‘કેમ, તમે કેવી રીતે કહી શકો ?’
‘કારણ કે હું કરાટે શીખેલી છું. વળી એની ધોલાઈ મેં અને આ બન્ને ભાઈઓએ એવી તો કરી છે કે હવે હંમેશને માટે આ બધું ભૂલી જશે.’ સુશક્તિ પછી પેલા રોમિયો તરફ જોતી બોલી :
‘ભાઈ ! તું તો મારો ભાઈ જેવો છે. કૉલેજમાં સાથે ભણીએ તે ભાઈ-બહેન કહેવાય. એક વાત સમજી લે કે હવે પછી ક્યારેય કોઈ છોકરીની છેડતી કરીશ નહિ, નહીં તો તને જેલમાં પૂરી દેશે. તારાં મા-બાપ રડશે, તારી અને એમની આબરૂ જશે અને છેવટે તારી આખીયે જિંદગી બરબાદ થઈ જશે.’ આ સાંભળતાં જ પેલો રોમિયો એકદમ સુશક્તિના પગમાં પડતાં બોલ્યો : ‘બહેન ! બહેન ! મને બચાવો, હવે પછી ક્યારેય કોઈની ય છેડતી નહીં કરું.’
સુશક્તિએ એને બે હાથ વડે ઊભો કરી કહ્યું : ‘ચાલ, તને તારે ઘરે મૂકી જાઉં. હું તારી બહેન છું ને, ચાલ.’ ત્યારે સૌ એની સામે જોઈ રહ્યા.
(‘અખંડ આનંદ’ સામાયિકમાંથી )
.
[2] અંતરના ધબકારા – દિલીપ સંઘવી
એક સેવાભાવી સત્સંગ મંડળ તરફથી દર ઉનાળે એપ્રિલ-મે એમ બે મહિના દરરોજ બે-ત્રણ કલાક દરમિયાન ઠંડી મજાની મસાલાયુક્ત પૌષ્ટિક છાશનું નિઃશુલ્ક વિતરણ થાય છે. જેનો સામાન્ય જનતા, આજુબાજુનો વેપારીવર્ગ, શાળા-કૉલેજ જતા વિદ્યાર્થીઓ, રહેવાસીઓ તથા બપોરના સૂકા રોટલા સાથે દાળ-શાકની અવેજીમાં છાશથી ચલાવી લેતો શ્રમજીવીવર્ગ લાભ લેતો. આ અભિયાનનો કુલ ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચ, બસો-ત્રણસોથી હજાર-બેહજાર, પાંચ હજાર, દસ હજાર રૂપિયાની નામેરી દાતાઓની સખાવતોમાંથી નીકળી જતો. દરેક દાતાને રસીદ આપવાનો નિયમ પણ હતો.
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી, મધ્યમવર્ગનાં એક શ્રમજીવી-આધેડ વયનાં બહેન છાશ વિતરણના બરોબર એક મહિના પછી આવતાં અને છાશ માટે ડોનેશનમાં બસો રૂપિયા આપી જતાં. એ બહેન ગાય-ભેંસના તબેલામાં છાણ-ગોબરનાં વાસીદાનું તથા છાણાં થાપવાનું કાયમી કામ કરતાં. એમનો વીસ વર્ષનો અભણ અને અપંગ દીકરો નાનું-મોટું ચોકીદારીનું કામ કરતો. બહેનનો પતિ છેલ્લાં બાર વર્ષથી અર્ધલકવાગ્રસ્ત લાચારીથી ઘરમાં પથારીવશ હતો. આ વર્ષે પણ મહિના પછી બહેન આવ્યાં. બારી પાસે ઊભાં રહી, સાડલાના છેડે બાંધેલી ગાંઠ છોડી, એમાંથી ગડી વાળેલી સો-સોની બેના બદલે ત્રણ નોટ સેવાનિષ્ઠ બહેનના હાથમાં આપતાં બોલ્યાં : ‘આ લો બોન, બહોના તૈંણસો લો. વધુ લોકોની આંતરડી ઠારજો. લાલિયાને (અપંગ પુત્રને) આપણા ટસ્ટી (ટ્રસ્ટી) ચંપુભૈ ને ન્યાં વધારાનું કોમ મલ્યું છે તો લાલિયો કિયે કે માડી છાશવાળાં બોનને સો વધારે આલજો.’ પછી દર વખતની જેમ કહે : ‘મુંને રસીદ નો ખપે. છાશ પીવાનો ટેમ નથી. હું તો આ હાલી. મારા વન્યા ગાયું ભેંશું ભોંભરતી હશે…’
હવે બન્યું એવું કે બહેન હજુ બોલવાનું પૂરું કરે ત્યાં પેલા ટ્રસ્ટી ચંપુભૈ એટલે કે ચંપકભાઈ પોતે આવ્યા. ગાડીમાંથી ઊતરી, બારી પાસે આવી અને હજારની એક નોટ સેવાનિષ્ઠ બહેન તરફ ફેંકતા બોલ્યાં : ‘છોકરી, પેટ્રોલના ભાવવધારાને લીધે છાશ માટે બેહ જારને બદલે હજાર રૂપિયા આપું છું. હું છાશ પીને આવું ત્યાં સુધી તું રસીદ બનાવી રાખ….’
સેવાનિષ્ઠ બહેનનો અંતરાત્મા બોલી ઊઠ્યો : ‘ચંપુભૈના માહ્યલાં માંહેની સ્વાર્થભરી મતલબી ‘બૂ’ મારતી મણ જેટલી હજાર રૂપિયાની સખાવત આગળ, લાલિયાના વધારાના સો રૂપિયાની કીડીના કણ જેટલી ‘આંતરડી ઠારજો’ જેવી સખાવત. આ અમીરી સખાવતને કારણે હજુ પુણ્ય પરવાર્યું નથી.’
(‘અખંડ આનંદ’ સામાયિકમાંથી )
.
[3] માનવતાનાં દર્શન – મહેન્દ્ર આર. શાસ્ત્રી
1986ના જુલાઈમાં પહેલી વાર યુરોપના પ્રવાસે જવાનો યોગ સાંપડ્યો હતો. એક મલ્ટીનૅશનલ કંપનીમાં કામ કરતો હોવાથી પ્રશિક્ષણ નિમિત્તે છ અઠવાડિયાં અઠવાડિયાં માટે જર્મની અને અન્ય દેશોમાં જવાનું આમંત્રણ મળ્યું હતું. મને વીરપુરના જલારામબાપા પર શ્રદ્ધા અને ભાવનગરમાં અમારાં કુળદેવી રૂવાપરી માતાજી પર આસ્થા. પરદેશ જવાના ચાર દિવસ અગાઉ આ બંને સ્થળે દર્શન કરવાની અદમ્ય ઈચ્છા અને ભાવના. તેથી પરદેશપ્રવાસની ઘણી તૈયારીઓ કરવાની હોવા છતાં વડોદરા-વીરપુર-ભાવનગર-વડોદરા બસ દ્વારા 24 કલાકમાં જ યાત્રાની યોજના બનાવી.
એક રાત્રે વડોદરાથી 10 વાગે વીરપુર-જૂનાગઢવાળી બસમાં બેસી ગયો. રાજકોટ થઈને બસ વીરપુર સવારે 7 વાગે પહોંચી. બેઠાં બેઠાં કરેલી રાત્રિની મુસાફરીનો થાક ઉતારવા તથા પ્રાતઃકાલનાં સ્નાનાદિ કામ પતાવવા જલારામબાપાના મંદિર સામે જ એક ગેસ્ટ હાઉસમાં રૂમ માટે પૂછતાછ કરી. માલિક-મૅનેજરે એક દિવસનો ચાર્જ રૂ. 80 કહ્યો. મેં પૈસા આપવા પાકીટ કાઢ્યું. વાતવાતમાં મૅનેજરને જણાવ્યું કે મારે દર્શન કરીને તરત જ ભાવનગર તરફ બસમાં નીકળી જવું છે. તેણે જણાવ્યું કે વીરપુર-ભાવનગરની બસ 10 વાગે ઊપડે છે. બે-ત્રણ કલાક રહેવા માટે રૂ. 80 શા માટે ખર્ચો છો ? બાજુમાં બીજું ગેસ્ટ હાઉસ છે. ત્યાં રૂ. 15માં તમે સ્નાનાદિ કામ પતાવી થોડો આરામ કરીને બે કલાકમાં નીકળી શકો છો. આમ એણે પોતાનો ધંધો ગુમાવીને મારા પૈસા બચાવ્યા.
બાજુના ગેસ્ટહાઉસમાં રૂ. 15 આપી રહેવા ગયો. ગરમ પાણીથી નાહીને થોડો આરામ કર્યો. ચા-પાણી અને સવારના પેપર માટે ગેસ્ટ-હાઉસના વેઈટર છોકરાને બોલાવ્યો. સરસ આદુવાળી ચા પીધા પછી છોકરાને પેપર માટે રૂ. 2 આપ્યા. તેણે કહ્યું, ‘તમારે માત્ર 15-20 મિનિટ માટે પેપર વાંચવું છે તે માટે રૂ. 2 શા માટે ખર્ચો છો ?’ તેણે મને ગેસ્ટહાઉસનું પેપર વાંચવા માટે આપ્યું અને મારા પૈસા બચાવ્યા.
વીરપુરથી દર્શન કરીને દશ વાગ્યાની બસમાં ભાવનગર જવા નીકળ્યો. બે વાગ્યે પહોંચી ત્યાં રૂવાપરી માતાજીનાં દર્શન કર્યાં અને થોડો નાસ્તો-પાણી કર્યાં. ચાર વાગ્યે એસ.ટી. સ્ટેન્ડ પર પહોંચ્યો. તે વખતે બપોરે સાડા ચારથી પાંચ વચ્ચે ભાવનગર-વડોદરા અને ભાવનગર-અમદાવાદની લકઝરી બસો જતી હતી. ટેકનિકલ કારણોસર ભાવનગર-વડોદરાની બસ કૅન્સલ કરવામાં આવી હતી. મારે વડોદરા જલદી પહોંચવું હતું. તેથી અમદાવાદવાળી લકઝરી બસમાં બેઠો. અમદાવાદથી કોઈ બસ-ટ્રેનમાં વડોદરા પહોંચી જઈશ એવું મનમાં હતું. કંડકટર ટિકિટ આપવા આવ્યો ત્યારે મેં તેને મારી વાત જણાવી અને અમદાવાદ સુધીની ટિકિટ માટે પૈસા આપ્યા. કંડકટરે મને ભાવનગરથી ધંધૂકાની ટિકિટ લેવા કહ્યું અને ધંધૂકામાં મઢી-વડોદરા બસનું કનેકશન મળી જશે તો મારા પૈસા અને સમય બચશે તેમ જણાવ્યું. ધંધૂકામાં બસ ઊભી રહી ત્યારે કંડકટરે મારી સાથે આવીને મઢી-વડોદરાની બસ ચાલી નથી ગઈ તેની ખાતરી કરી પછી તેણે પોતાની અમદાવાદની બસ ચલાવી.
આ ત્રણે બનાવો સવારના સાત થી સાંજના સાત વાગ્યા સુધીમાં, બાર કલાકમાં બન્યા. ત્રણ અદના માનવીઓ – ગેસ્ટ હાઉસ મૅનેજર, વેઈટર બૉય અને બસ કંડકટર – આ પાત્રોએ જે પરોપકાર અને માનવતાની ભાવના દેખાડી તે આજ સુધી મારા માનસપટ પર અવિસ્મરણીય રહી છે.
.
[4] રાખડીનું બંધન – દીપક ત્રિવેદી
રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનું મંગળપર્વ છે. આ પવિત્ર પ્રસંગે ભાઈ બહેનને કહે છે : તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે. અને તે સર્વસ્વ આપવાની તૈયારીનાં પ્રતીકરૂપે ભાઈ બહેનને ભેટ આપે છે. પરંતુ આજે એમાંનો ભાવ ખોવાઈ ગયો છે. માત્ર વ્યવહાર જ રહ્યો છે. ફૂલ અને ખુશ્બૂ જેવો પવિત્ર અને અતૂટ નાતો તૂટતો જાય છે. અત્યારે કોઈ-કોઈ ભાઈ પૈસાના મદમાં બહેનને ભૂલી જાય છે. આવો એક નજરે જોયેલો કિસ્સો અહીં હું ટાંક્યા વિના નથી રહી શકતો.
અમારા ઘરની પાછળ એમ.પી. શાહ કૉલેજમાં નાની એવી પૉસ્ટ-ઑફિસમાં રક્ષાબંધન પૂર્વેના એક શનિવારે હું રાખડી પોસ્ટ કરવા અને પહેલી તારીખ હોવાથી મારાં બાનું વ્યાજ લેવા ગયો હતો. રક્ષાબંધન નજીક હોવાથી ઘણી બહેનો કવર લેવા કે રાખડી પોસ્ટ કરવા આવી હતી. ત્યારે 65 થી 70 વર્ષનાં એક માજી, કે જેમના હાથ ધ્રૂજતા હતા, સહેજ વાંકાં વળી ગયાં હતાં તે હાંફળાં-ફાંફળાં મારી પાસે આવીને કહે કે, ‘ભાઈ, આ સરનામું કરી દે ને. મારા ભાઈને રાખડી સમયસર પહોંચાડવી છે.’ મેં એ સરનામું કવર ઉપર લખી આપ્યું. પછી મેં કહ્યું કે માજી કાંઈ લખવું નથી ? તો કહે, ‘હા, હા, લાવ ભઈલા.’ ને એમણે મોટા-મોટા અક્ષરે થોડુંક કાંઈક લખ્યું. એમનાં લખાણ ઉપરથી લાગતું હતું કે થોડું-ઘણું ભણ્યાં હશે. ખૂબ જાળવીને રાખડી ઉપાડીને કેટલીય વાર પોતાની મેલી સાડીથી લૂછી, ચૂમી અને ખૂબ પ્રેમથી કવરમાં મૂકી અને મૂકતાં મૂકતાં આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
મેં કહ્યું : ‘માજી, તમને તમારા ભાઈ બહુ વહાલા હશે નહીં ?’
ત્યારે માજી કહે : ‘દુનિયાની દરેક બહેનને એનો ભાઈ વહાલો જ હોય પણ ભાઈને બહેન….’ એમ કહીને જાણે ભાન આવ્યું હોય એમ અટકી ગયાં. મેં કહ્યું : ‘કેમ માજી આવું બોલો છો ?’
તો કહે, ‘કાંઈ નહીં ભઈલા ! મેં મારા ભાઈને કેડમાં તેડીને રમાડેલો છે. પણ અત્યારે એ એટલો મોટો થઈ ગયો છે કે મને બોલાવતોય નથી. કોણ જાણે મારી આ રાખડીયે બાંધતો હશે કે કેમ ?’ એમ કહેતાં માજી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યાં. ત્યારે મને થયું કે શું આ અતૂટ રિશ્તો છે ! ભાઈ-બહેનની પ્રીતનું પવિત્ર પ્રતિક છે !
[5] મૈત્રી – મોહમ્મદ માંકડ
વિયેટનામમાં ગયેલ અમેરિકન સૈનિક બી. કીથ કોસીએ એક હૃદયસ્પર્શી વાત લખી છે. કોસી અને એનો એક મિત્ર સૈનિક વિયેટનામનાં એક ખખડી ગયેલ દવાખાનાના મકાન પાસે બેસીને લંચ લઈ રહ્યા હતા. ખાણું પૂરું થવા આવ્યું ત્યારે તેમની નજર થોડે દૂર બેઠેલ એક ખખૂડી મખૂડી છોકરા ઉપર પડી. તેમની સામે જ તે જોઈ રહ્યો હતો. તેની ઉંમર અગિયાર-બાર વર્ષની હતી, અને અપોષણથી તે પીડાઈ રહ્યો હતો. કોસીને ખ્યાલ આવી ગયો કે તે ભૂખ્યો હતો, પરંતુ તે કશું માંગતો નહોતો – માત્ર મૈત્રી ભરી નજરે તાકી રહ્યો હતો.
કોસીના મિત્રે તેને નજીક બોલાવ્યો. ખાવાનું તો ખતમ થઈ ગયું હતું. પાછળ માત્ર એક ગોળ ચોકલેટ વધી હતી. છોકરાના હાથમાં એ ચોકલેટ તેમણે મૂકી. કશું જ બોલ્યા વિના છોકરાએ એનો સ્વીકાર કર્યો. ખૂબ જ જાળવીને ચોકલેટના ત્રણ સરખા ટુકડા તેણે કર્યા. તેમાંથી, એક કોસીના હાથમાં અને બીજો તેના મિત્રના હાથમાં મૂકીને તેણે સ્મિત કર્યું. અને ત્રીજો ટુકડો લઈને, માથું નમાવીને તે ચાલ્યો ગયો. (‘આપણે માણસ’ પુસ્તકમાંથી સાભાર.)
.
[6] રવીન્દ્ર ટાગોરનું નિવાસસ્થાન – લીલા મજમુદાર, ક્ષિતિજ રૉય
કલકત્તાના ઉત્તર ભાગમાં એક રસ્તો છે. ગિરદીનો ત્યાં પાર નથી. ટ્રામ છે, બસ છે, મોટર છે, પાડાગાડી છે, હાથલારી છે અને માણસો તો એટલા બધા કે ગણ્યા ગણાય નહિ. રસ્તાની બંને બાજુનાં મકાનો જાણે ખભેખભો અડાડીને ઊભાં છે. ક્યાંય હથેલી જેટલીયે ખુલ્લી જગા નથી. આ રસ્તામાંથી એક નાની ગલી ફંટાય છે. એમાં ફૂટપાથરીયે નથી. બહુ જ થોડાં ઘર છે, એક જૂનું દેવળ છે. જરા આગળ જઈએ તો બે ઘર મૂકીને ગલી પૂરી થઈ જાય છે. સામે જ મોટો દરવાજો દેખાય છે. દરવાજાની સામે જ ત્રણ માળનું મોટું મકાન છે. તેને ખડખડિયાંવાળી હારબંધ બારીઓ છે. ઘરને લાંબી લાંબી ઓસરી છે. દાયકાઓ અગાઉ એક છોકરો આ ઘરની ઓસરીમાં ઊભો રહેતો, જ્યારે વરસાદ ઝરમર વરસતો હોય. છોકરો એકવડા બાંધાનો ને ગોરો હતો. તે ઊભો ઊભો એકીટશે ગલી ભણી જોઈ રહેતો. તેને થતું કે વરસાદ પડે છે એટલે આજે માસ્તર નહિ આવે. પણ એની ધારણા ખોટી પડતી. વખત થતો એટલે માસ્તર તો ગલીને નાકે મોટી છત્રી ઓઢીને અચૂક દેખા દેતા.
આ નાના બાળકનું નામ રવીન્દ્રનાથ ટાગોર. ઘરમાં એને બધાં રવિ કહેતાં. એ ગલીનું નામ દ્વારકાનાથ લેન અને એ જૂનો રસ્તો તે કલકતાનો ચિતપોરનો સરિયામ રસ્તો. આ મકાન જોડાસાંકોના ટાગોર કુટુંબનું વંશપરંપરાનું ઘર છે. વર્ષો થયાં એ ત્યાં ઊભું છે. સાડાત્રણ એકરનો એનો વિસ્તાર છે. એમાં દીવાનખાનાં છે. નોકરોના ઓરડા છે, સ્ત્રીઓના ઓરડા છે, અખાડો છે, કચેરીઓ છે, તબેલા છે, અનેક ચોક છે, તળાવો છે, શું નથી ? આખું મકાન કારકુનોથી, ચપરાશીઓથી, મજૂરોથી, ચોકીદારોથી, પંડિતોથી, નોકરોથી, મહેમાનોથી અને તદ્દન અજાણ્યા જ માણસોથી ગાજતું રહેતું. (‘ઘર એટલે….’ પુસ્તકમાંથી સાભાર.)
.
[7] વારસો – બેપ્સી એન્જિનિયર
એક વૃદ્ધ મરણપથારી ઉપર હતા.
તેમણે પોતાના પુત્રને પોતાની પાસે તેડ્યો.
પછી વૃદ્ધ કહે : ‘બેટા, હું ગરીબ રહ્યો. તારે માટે પાછળ મૂકી જવા સારુ મારી પાસે કાંઈ મૂડી નથી. પણ મારા બાપે મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉં છું. જિંદગીભર તું તેને સાચવજે. જ્યારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલાં તું તેનો જવાબ વાળતો નહીં. ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી ‘મૂડી’ હું તને વારસામાં આપતો જાઉં છું.’
પિતાએ આપેલી ‘મૂડી’ દીકરાએ જીવ્યો ત્યાં સુધી સાચવી. આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવાં પડ્યાં. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઊભા થયા; પણ પિતાનાં વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યક્તિને તે શાંતિથી કહેતો કે, ‘આનો જવાબ હું તમને ચોવીસ કલાક બાદ આપીશ.’ ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલો રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તે એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યક્તિ આગળ કદી જતો નહીં. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદશ્ય થયો. તેનું હૃદય સ્વચ્છ બની ગયું. એ છોકરો મોટો થતાં ગુર્જેફ નામે મોટા જ્ઞાની પુરુષ તરીકે ઘણી ખ્યાતિ પામ્યો. (‘વીણેલી વાતો’ પુસ્તકમાંથી સાભાર.)
.
[8] સંકલ્પનો જાદુ – બર્ડ ડુબિન (અનુ. સોનલ પરીખ)
ગામડાની એ નાનકડી શાળાને હૂંફાળી રાખવા માટે જૂનોપુરાણો ગોળાકાર સગડી જેવો, કોલસાનો ચૂલો હતો. એક છોકરાને રોજ વહેલા આવી તેમાં કોલસા પૂરી, ચૂલો પેટાવવાની જવાબદારી સોંપાઈ હતી. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ આવે ત્યારે શાળા હૂંફાળી થઈ જતી. એક સવારે તેઓ આવ્યા ત્યારે શાળાનું મકાન ભડકે બળતું હતું. તેમણે અર્ધા બેભાન છોકરાને તેમાંથી ખેંચી કાઢ્યો. તે ખૂબ દાઝી ગયો હતો. અડધું શરીર ખરાબ રીતે બળી ગયું હતું. મરણતોલ હાલતમાં તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો.
બેહોશી અને જાગૃતિની જતી આવતી પળોમાં છોકરાએ ડૉક્ટરના શબ્દો સાંભળ્યા. તેમણે તેની માને કહ્યું, ‘આ છોકરો બચશે નહીં અને તે સારું છે, કારણ કે આગે તેના શરીરને ખૂબ નુકશાન કર્યું છે.’ છોકરો બહાદુર હતો. મરવા માગતો નહોતો. તેણે એ અવસ્થામાંય નિશ્ચય કર્યો કે પોતે જીવશે અને તે બધાના આશ્ચર્ય વચ્ચે જીવી ગયો. કટોકટીની ઘડી વીતી ગયા પછી તેણે ફરી ડૉક્ટરની વાત સાંભળી, ‘છોકરો જીવી તો ગયો છે, પણ તેનું માંસ ખૂબ બળી ગયું છે. તેના પગ વાંકા રહી જશે ને તેનો ઉપયોગ તે કરી શકશે નહીં.’ ફરી તેણે નિર્ણય કર્યો કે પોતે અપંગ નહીં બને. ચાલશે, પણ તે અશક્ય હતું. કમર નીચેનો હિસ્સો તે હલાવી પણ શકતો નહોતો. પાતળા પગ નિર્જીવ બનીને લટકી પડ્યા હતા. છેવટે તેને હૉસ્પિટલમાંથી છુટ્ટી મળી. રોજ તેની મા તેના નિર્જીવ પગ પર મસાજ કરી આપતી, પણ ત્યાં કોઈ સંવેદન થતું નહીં. કોઈ નિયંત્રણ પણ રહેતું નહીં, પણ ચાલવાનો તેનો સંકલ્પ એવો ને એવો દઢ હતો.
જ્યારે તે સૂતેલો ન હોય ત્યારે તેને વ્હીલચેરમાં જકડીને રહેવું પડતું. એક દિવસે તેની મા તેને ઘરના બગીચામાં લઈ ગઈ જેથી તેને ખુલ્લી હવા મળે. તે દિવસે તેણે જોર કરી પોતાને વ્હીલચેરમાંથી જમીન પર ફેંકી દીધો અને ઘાસમાં ઘસડાવા માંડ્યું. નિર્જીવ નબળા પગ પાછળ ઘસડાતા રહ્યા. બગીચાની વાડ સુધી તે ઘસડાયો અને મહામુશ્કેલીથી ઊંચો થયો. તેની પ્રતિજ્ઞા હતી કે ચાલતા થવું – રોજ તે આ પ્રમાણે કરતો અને વાડાને ફરતું ચક્કર મારવાની કોશિશ કરતો. તેના પગમાં જો ચેતન આવી જાય તો પછી કશું જ અશક્ય નહોતું.
છેવટે રોજનું માલિશ, લોખંડી સંકલ્પ અને અથાક મહેનતના પરિણામે તે એક દિવસ પોતાના પગ પર ઊભો રહી શક્યો. તે પછી અટકતાં અટકતાં પકડી પકડીને પગલાં ભર્યાં ને પછી કોઈના ટેકા વગર ચાલ્યો અને છેવટે દોડ્યો પણ. સ્કૂલમાં ચાલતા ગયા પછી તે દોડીને જવા લાગ્યો. પછી તો દોડવાનો એવો આનંદ આવ્યો કે તે દોડવા ખાતર દોડતો. પછીથી તેણે કૉલેજમાં એક ટ્રેક ટીમ પણ બનાવી. જે છોકરો જીવતો બચી જાય તેવુંય કોઈ ધારતું નહોતું, જે કદી ચાલી પણ શકવાનો

નહોતો, તે યુવાન વયે વિશ્વનો સૌથી ઝડપી દોડવીર બન્યો. તેનું નામ ડૉ. ગ્લેન કનિંગહામ. (‘મોતીની માળા’ પુસ્તકમાંથી સાભાર.)
.
[9] ગૂંચ – કાન્તિલાલ કાલાણી ખ્વાજા નસિરુદ્દીનનો એક વિચિત્ર પ્રસંગ નોંધાયો છે. ખ્વાજા જે ગામમાં રહેતા હતા તે ગામમાં અનાજ દળવાની સગવડ નહોતી, એટલે અનાજ દળાવવા દૂર આવેલા શહેરમાં જવું પડતું. ગામના ખેડૂતોએ એવું નક્કી કર્યું કે જેણે પોતાનું અનાજ દળાવવું હોય, તેણે પોતપોતાના ગધેડા પર અનાજની ગૂણો ભરીને જેનો વારો આવતો હોય તેને ઘરે મોકલવી અને તે માણસ ગધેડાઓને લઈ શહેરમાં જાય અને અનાજ દળાવી જેનું હોય તેને લોટ પહોંચતો કરે. અમુક સમય વીત્યા પછી ખ્વાજાસાહેબનો વારો આવ્યો. તેમણે પોતાનું ગધેડું અને બીજાં આઠ ગધેડાં પર અનાજની ગૂણો લાદી શહેરમાં જવા નીકળ્યા. અમુક અંતર કાપ્યા પછી તેમને ગધેડાંની સંખ્યા બરાબર છે કે નહિ તે અંગે શંકા ગઈ. એમણે ગધેડાં ગણ્યાં તો આઠ જ હતાં. તેઓ વિચારમાં પડી ગયાં. પોતે નવ ગધેડાં લઈને નીકળેલા અને આઠ જ થયાં ! એક ગધેડું છૂટું પડી આડે રસ્તે ચડી ગયું લાગે છે, એવો વિચાર આવતાં ગધેડા પરથી નીચે ઊતરી દૂર દૂર સુધી તપાસ કરી આવ્યા. પણ ગધેડાનો પત્તો ન લાગ્યો એટલે હતાશ થઈ ગયા. પાછા ફરીને ગધેડાં ગણ્યા તો બરાબર નવ હતાં ! તેમણે નિરાંતનો શ્વાસ લીધો. આઘુંપાછું જતું રહેલું ગધેડું આપમેળે પાછું ફરી ગયેલું જાણી રાજી થયા અને ફરી ગધેડા પર બેસી ચાલી નીકળ્યા.
ચારેક માઈલનું અંતર કાપ્યા પછી ફરી શંકાનો કીડો સળવળ્યો. આગળ-પાછળનાં ગધેડાં ગણ્યા તો આઠ જ થયાં ! ફરી એની એ જ હૈયાહોળી ! ગધેડાંને એક વૃક્ષ નીચે ઊભાં રાખી આજુબાજુ બધે ફરી વળ્યા પણ નવમું ગધેડું ક્યાંય દેખાયું નહિ. પાછા ફરી વૃક્ષ નીચે આવ્યા તો નવેય ગધેડાં ઊભેલાં ! તેઓ ખૂબ ગૂંચવાઈ ગયા. ગધેડું ગુમ થઈ જાય અને પાછું આવી જાય એ કેમ બને છે તે તેમને સમજાતું નહોતું. તેમને ભૂતપ્રેતની શંકા ગઈ ! નક્કી કોઈ પાછળ પડ્યું લાગે છે. વહેમનું ઔષધ હોતું નથી. તેમણે જ ઊભું કરેલું ભૂત મગજ પર સવાર થઈ જતું હતું અને તેમને પરેશાન કરતું હતું.
સારું થયું કે રસ્તામાં તેમને પરિચિત એવો મુસાફર મળી ગયો. ખ્વાજાસાહેબે તેની સમક્ષ હૈયાવરાળ ઠાલવી. પોતે ભૂતની જાળમાં કેવા ફસાઈ ગયા છે તેની વિગતો તેમણે કહી. પછી આજુબાજુ ચરવા ગયેલાં ગધેડાને એકત્ર કરી ગણી જોયાં તો બરાબર નવ થયાં ! ખ્વાજાસાહેબ પોતાના ગધેડા પર બેસી ગણવા લાગ્યા, તો પાછાં આઠ થયાં ! મુસાફર ખડખડાટ હસી કહેવા લાગ્યો : ખ્વાજાસાહેબ, તમે જે ગધેડા પર બેઠા છો તેને ગણતરીમાં લેતા નથી ! ગધેડાંના સહવાસમાં રહીને તમારી અક્કલ પણ ગધેડા જેવી થઈ ગઈ લાગે છે. તમે જે ગધેડા પર બેઠા છો તેને જ કેમ ભૂલી જાવ છો ? ખ્વાજાસાહેબે વિચાર કરી જોયો. પોતે જે ગધેડા પર બેઠા હતા તેની ગણતરી કરી તો પૂરા નવ ગધેડાં થયાં એટલે રાજી-રાજી થઈ ગયા. પરિચિત મુસાફરે તેમની ગૂંચ ઉકેલી ન હોત તો એ મગજની સમતુલા ગુમાવી જંગલમાં ભટકતા રહ્યા હોત અથવા ગધેડાંની લમણાંઝીકથી કંટાળી ગયા હોત.
મનુષ્યોની મોટાભાગની ગૂંચો વિચારશક્તિનો ઉપયોગ કરવાથી અથવા અનુભવીજનોની સલાહથી ઊકલી જતી હોય છે; પણ મનુષ્યો કાગળનો વાઘ કરી ડરછે અને પોતે ભગવાન કરતાં પણ વધુ ડાહ્યા છે તેવું બતાવવાની કોશિશ કરે છે. (‘જીવનની માવજત’ પુસ્તક માંથી.)
[10] કોના પુણ્ય પ્રતાપે ? – હરિકૃષ્ણ પાઠક
ગાંધીનગરમાં મકાન બંધાવવાનું શરૂ કર્યું ત્યારની મનઃસ્થિતિ કંઈક વિપરીત હતી. એ અરસામાં જ એક કાવ્ય લખેલું :
પાયા પૂર્યા ને કાઢ્યાં ભીંતડાં,
મેલી છત ને કાંઈ કોર્યાં રે કમાડ;
હવાને પાણીને તરતાં તેજના,
પાડ્યા ખાંચા-ખચકા ને વાળી વાડ;
કળીએ કપાણો જીવણ જીવડો !
પર્યાવરણ મારે માટે એક પ્રાથમિકતા ધરાવતી નિસબત છે, તેથી મકાનનાં ચણતરમાં વૃક્ષોના ઉચ્છેદનનું નિમિત્ત ન બનવાનો ખ્યાલ હતો. પણ રુચિ એવી કે લાકડાનાં બારીબારણાં વધુ ગમે ! એવામાં મિત્ર સનતભાઈ પાસેથી જાણ્યું કે ધ્રાંગધ્રામાં રેલવેના જૂના સલેપાટ (સ્લીપર્સ)ની સાઈઝો મળે છે, અને તેમણે તેવું લાકડું ઉપયોગમાં લીધું છે. સાથોસાથ એ પણ જાણ્યું કે તેમને આ કામ માટે એક સારા મિસ્ત્રી પણ મળ્યા છે. આથી ધ્રાંગધ્રાનું સ્લીપર્સનું લાકડું; ને ત્યાંના નજીકના ગામ શિયાણીના મિસ્ત્રી બળદેવભાઈની કારીગરી યોજવાનું ઠરાવ્યું. સ્લીપરની સાઈઝોનું માપ મિસ્ત્રીએ કાઢી આપ્યું. તેમાંથી જ તેમની ચોકસાઈનો અણસાર મળ્યો. એકાદ વાર તો હું ને સનતભાઈ ધ્રાંગધ્રા જઈ આવ્યા. ત્યાંના લાટીના શેઠ પ્રકાશભાઈ શાહનો આ તો સાઈડ બિઝનેસ હતો. પણ સનતભાઈ સાથે મૈત્રી થઈ ગયેલી તેનો લાભ મને પણ મળ્યો.
બીજી વાર અમે મિસ્ત્રીને સાથે લઈને ગયા. ત્યારેય જમવાનું તો પ્રકાશભાઈને ત્યાં જ હતું. અમે માત્ર લેવા જતા, પણ મહેમાન થઈને રહેતા. મિસ્ત્રીને વધુ રસ લાકડાના એ ગંજમાંથી સારામાં સારી સાઈઝો કાઢવાનો રહેતો. તેમનું કામ ખૂબ ખંત, ચીવટ, ચોકસાઈથી કરે. કેટલું લાકડું જોઈશે તેનો હિસાબ મનોમન કરી લે ને પ્રકાશભાઈ કૉમ્પ્યુટરનાં બટન દબાવીને અંદાજ આપે તો બળદેવભાઈનો હિસાબ સરખો જ ઊતરતો હોય ! લાટીમાં કામ કરતા બાબુલાલ, હિસાબકિતાબ રાખનાર રિટાયર્ડ રેલવે ગાર્ડ જોષી સાહેબ કે પરચુરણ સાંધા-સુંધીને ફાચર-રંધા મારનાર સતવારા કારીગર સાથે મિસ્ત્રીએ સહજમાં આત્મીયતા કેળવી લીધી. પછી અર્ધો માલ આવી ગયો ને મિસ્ત્રીએ તેમનું કામ શરૂ કર્યું. શરૂમાં દરવાજાની ફ્રેમો બનાવી. મારા ક્વાર્ટરના આંગણામાં જ ચીકુડીના છાંયડે મિસ્ત્રી કામ કરે. ક્યારેક મદદમાં કોઈ છોકરડાને લાવે. ક્યારેક પહોંચતી ઉપરના ડુંગરભાને લાવે, ને ક્યારેક તેમના મોટાબાપાના જમાઈ રમેશલાલને.
પોતાના જેવી જ ચોકસાઈથી બધાં કામ કરે તેવો તેમનો આગ્રહ. આથી સાથી કારીગરો સાથેનો મિસ્ત્રીનો વ્યવહાર રસ પડે તેવો રહેતો. પછી બાકી રહેલું બારીની સાઈઝોનું લાકડું આવવામાં મોડું થતું ગયું, તે પ્રકાશભાઈનો આગ્રહ એવો કે મિસ્ત્રી જાતે માલ પસંદ કરી જાય તો પછીથી સારું-મોળું ન થાય. એટલે એક વખત મિસ્ત્રીને એકલા જવાનું થયું. જાડી ગણતરી કરીને મેં તેમને ભાડાના, વાટ ખરચીના ને જમવાના પૈસા આપ્યા. મિસ્ત્રી ધ્રાંગધ્રા ગયા ને તેમનું કામ પાર પાડી આવ્યા. તેમના કહેવા પ્રમાણે ‘માલ કાઢ્યો નો’તો, એટલે બધાંયને ઉસકાવ્યા !’ ને પાછા આવીને મને વધેલા પૈસા પરત કર્યા.
મેં પૂછ્યું : ‘પૈસા વધે ક્યાંથી ? ભૂખ્યા રહ્યા’તા કે શું ?’
તો કહે : ‘આ વખતેય મને પ્રકાશભાઈએ લોજમાં જમાડ્યો’તો. એટલે ખાવાનું ખરચ થયું નથી.’
મેં કહ્યું : ‘ભલે રહ્યા, પછી વાત.’
પછી મિસ્ત્રીએ બિલ આપ્યું ત્યારે તેમના છેલ્લા ફેરાના દિવસનું રોજ ભર્યું ન હતું. અગાઉ ભરેલું, પણ આ વખતે નહોતું ભર્યું. મેં પૂછ્યું તો કહે : ‘હું ધ્રાંગધ્રા ગ્યો એ દિવસે અમાસ હતી; અમે અમાસને દિવસે કામ નો કરીએ, એટલે રોજ ભર્યું નથી !’ માત્ર પોતાના કામમાં જ નહીં, આર્થિક વ્યવહારોમાં એ નીતિનું એક ચોક્કસ ધોરણ જાળવીને, જાત તોડીને કામ કરતા એક આખા પ્રામાણિક નિમ્ન મધ્યમ વર્ગના પ્રતિનિધિરૂપે મેં મિસ્ત્રીને જાણ્યા. એક ઠેકાણે કામ ચાલતું હોય ત્યારે, તે પૂરું થાય ત્યાં સુધીમાં બીજું કામ મળી રહે, ને એમ ‘લાઈન’ ગોઠવાઈ જાય તેની ચિંતા આ ઊભડ કામ કરનારાઓને હંમેશ રહેતી હોય છે તેમ છતાં જે નીતિમત્તાનું ધોરણ આ વર્ગના લોકોમાં જોઉં છું, તેની સામે આપણા ઉચ્ચત્તમ પદો પર બિરાજનાર મહાનુભાવોના ભ્રષ્ટાચારોની ભરમાર વ્યથિત કરી મૂકે છે. આખા દેશની પ્રજામાં ભ્રષ્ટાચારીઓનું પ્રમાણ ટકાવારીની દષ્ટિએ કદાચ ઓછું હશે, પરંતુ તેમને હસ્તકની સત્તાઓ અને વગવસીલા એવા છે કે આખા દેશને પારાવારનું નુકશાન અને હાનિ પહોંચે છે. અને આમ છતાં આપણો આ સમાજ ટકી રહ્યો છે એ તો પેલા ઊભડિયાઓના પુણ્યપ્રતાપે જ ને !
.
[11] કેવો જમાનો આવ્યો છે ? – ગુલાબદાસ બ્રોકર
મારું મિત્રમંડળ સારું એવું મોટું છે. ઘણું જ મોટું હતું, પણ હું એટલું બધું જીવ્યો કે એમાંથી ઘણાબધા, એક પછી એક આ જગત છોડીને ચાલ્યા ગયા. ને છતાંય હજી રહ્યા છે તે ઓછા નથી રહ્યા. તે મિત્રોમાં ભાઈઓ છે, લગભગ તેટલી જ બહેનો પણ છે. એ બધાં જ મિત્રો, ભાઈઓ અને બહેનો બધાં જ મારી જેમ સાહિત્ય વાંચવાનાં અને વાતો કરવાનાં શોખીન છે. તેમની સોબતમાં કલાકો ક્યાં ચાલ્યા જાય એની ખબર જ ન પડે. અને કેટલીક વાર તેમાં એવી વાતો નીકળે કે જીવનભર તે મારી સ્મૃતિની છીપમાં સચવાઈ રહે. એ બધી વાતો આનંદપ્રદ જ હોય એવું નહીં. વિષાદપ્રેરક પણ હોય, પણ જીવન ઉપર પ્રકાશ પાથરનારી તો હોય જ.
એવી એક વાત મને બહુ યાદ રહી ગઈ છે. હજી થોડા સમય પહેલાં જ એ વાત મને મારાં એક બહુ જ નજીકનાં મૈત્રિણીએ કરેલી. એ બહેન મારે ઘરે આવે ત્યારે મારા અને મારી પત્નીનાં મોં પર આનંદ પથરાઈ જાય. એમના મોં પર પથરાયેલો આનંદ પણ એ વાતની સાક્ષી પૂરે. પણ આ વખતે એ બહેને જે વાત કરી તે આનંદપ્રેરક નહોતી, પણ આપણા અત્યારના સમાજજીવનમાં કેવી આછકલાઈ, કેવી ક્ષુલ્લકતા જામી પડી છે તેની દ્યોતક હતી.
એ વાત આ પ્રમાણેની હતી :
એ બહેન પણ મારા જેવા વાતોનાં શોખીન. બહુશ્રુત અને વિદ્વાન પણ ખરાં. એટલે એમની પાસે અનેક બહેનો પોતાનાં સુખદુઃખની વાતો કરવા આવે. હમણાં થોડા સમય પહેલાં જ, એવી એક બહેન તેમને મળવા આવી. દુઃખી દુઃખી જેવી લાગતી હતી. હંમેશાં આનંદમાં રહેતી, અને આનંદ ફેલાવતી આ બહેનપણીને આવી વિષાદમય અને દુઃખી જેવી જોતાં એ બહેનને પણ દુઃખ થયું. તેમણે એને પૂછ્યું.
‘કેમ ? આજે તું આવી સોગિયણ ને દુખિયણ જેવી કેમ લાગે છે ? કંઈ થયું છે ?’
એ બાઈ રડવા જેવી થઈ ગઈ. માંડ માંડ બોલી : ‘મેં એક નિર્ણય કર્યો છે બહેન, તેથી એવી લાગું છું.’
‘એવો તે શો નિર્ણય કર્યો છે તે ?’ પેલાં બહેને આતુરતાથી પૂછ્યું.
‘એ નિર્ણય છે મારા પતિથી છૂટાછેડા લેવાનો.’ બોલતાં બોલતાં તેનો અવાજ જરા મક્કમ બની ગયો.
‘હેં ? હેં ? છૂટાછેડા ? પણ શા માટે ? તમે બંને કેવાં પ્રેમીપંખીડાં છો !’
‘એ જ દુઃખ છે ને ? પ્રેમી પંખીડાં હોય એ પ્રેમમાં જરા પણ વિધ્ન સહી શકે નહીં.’
‘પણ એવું તો શું થયું બહેન ? તું માંડીને વાત કર.’ કહેતાં તે તેની નજીક સર્યાં.
‘ગઈ કાલે રજા હતી, અને મેં નક્કી કર્યું હતું કે આજે સાંજે રસોઈબસોઈની માથાકૂટ નથી કરવી. સાંજે બહાર જઈ કોઈક સરસ હોટેલમાં જમીશું.’
‘સરસ.’ પહેલાં બહેન બોલ્યાં.
‘શું ધૂળ સરસ ? સામો માણસ સમજદાર હોય તો એ વાત સરસ બને ને ?’ તેનો અવાજ જરા મરડાયો.
‘કેમ ? એણે એવી નાસમજ કઈ બતાવી ?’
મેં કહ્યું : ‘આજે બહાર ખાઈશું.’ તો એ કહે : ‘આજે નહીં, બીજે કોઈ દહાડે જઈશું.’
‘કેમ ? આજે વળી શું છે તે આજે નહીં ?’ મેં પૂછ્યું.
તો કહે : ‘આજે મને તારા હાથનાં ભજિયાં ખાવાનું બહુ મન થયું છે. કેવાં સરસ ભજિયાં તું બનાવે છે !’
‘એવાં સરસ તો એ કાલે પણ બનશે.’ મેં કહ્યું : ‘પણ મારે તો આજે બહાર જ ખાવું છે.’
‘ના કાલે બહાર ખાઈશું. પણ આજે તો તું સરસ ભજિયાં બનાવ તારે હાથે.’
‘એમાંથી ચણભણ થઈ ગઈ. હું કહું કે મારે બહાર ખાવું છે, એ કહે મારે તારાં ભજિયાં ખાવાં છે. ગમેતેટલું મેં કહ્યું પણ એ પણ એ માન્યા જ નહીં. મને પરાણે ઘરમાં ગોંધી રાખી, ને મારા હાથનાં જેવાં બન્યાં એવાં ભજિયાં ખાઈને જ રહ્યો !’ બહેનપણી હસી પડી. ‘વાહ વાહ’ કરતી. પછી કહે : ‘પણ એમાં છૂટાછેડા લેવાની વાત જ ક્યાં આવી ?’
‘ત્યારે શું નહીં તો ?’ પેલી મોઢું ચડાવીને બોલી, ‘પોતાની પત્નીનું આટલું પણ મન ન રાખે, ને આવી બધી જબરજસ્તી કરે એવા માણસ સાથે કોણ રહે ? હું તો જેટલું બને તેટલું જલદી તેનાથી છૂટી થઈ જવા માગું છું. પછી ભલે એ બેઠો બેઠો એનાં ભજિયાં ખાધાં કરે.’
બહેનપણીને હસવું આવતું હતું. પછી તેણે જોયું કે હસીશ તો આ બાઈ વધારે બગડશે. એટલે તે હસી નહીં.
બોલી : ‘બસ આટલી વાતમાં છૂટાં થઈ જવાનું ?’
‘આજે આટલી થઈ તો કાલે વધારે મોટી ન થાય. એના કરતાં આપણે એકલાં સારાં. કોઈથી દબાવાનું તો નહીં !’ બહેનપણી સમજદાર હતી. તેણે તે સ્ત્રીને તેનો બળાપો કાઢવા દીધો. પછી તેની સાથે વાતો કરીને તેને સમજાવી કે આવી અમથી વાતમાં કંઈ આવા સારા લગ્નજીવનને ખતમ કરી દેવાય ?
પેલી રોઈ પડી : ‘પત્નીનું આટલું પણ માન ન રાખે એ ધણી શા કામનો ?’
બહેનપણીએ કહ્યું : ‘એને પણ એવું જ નહીં થતું હોય કે આજને બદલે કાલે બહાર ખવાય જ, તો પછી પતિનું આટલું એવું મન પણ ન રખાય ?’
‘તું તો એવી જ છે. બધાંને શિખામણ આપનારી.’ એ જુસ્સાથી બોલી ઊઠી.
‘શિખામણ નથી દેતી, બહેન, સાચી વાત કરું છું.’ અને કલાકોની ગંભીર વાતો પછી તે માંડ માંડ સમજી. બોલી : ‘આજે તારી વાત માનું છું. પણ મને એવું માઠું લાગેલું !’
‘આ જિંદગી જ એવી છે, બહેન. એમાં અનેક ઘૂંટડા પીવાના હોય. એમ કંઈ વાતવાતમાં આપણો સંસાર ભાંગી ન નખાય.’ અંતે પેલી બહેનપણી સ્વસ્થ થઈને ઘરે ગઈ, પણ આ બહેનને એ વાત એટલી અસર કરી ગઈ કે મારી પાસે એ વાત કરતાં એ ગળગળાં થઈ ગયાં. બોલ્યાં :
‘કેવો જમાનો આવ્યો છે, ભાઈ ?’
મેં કહ્યું : ‘સાચી વાત છે. કેવો જમાનો આવ્યો છે ?’
પછી એ બહેન તો ગયાં. પણ આવી આવી નાનકડી વાતોમાં પોતાનાં અને પારકાંનાં જીવનને છિન્નભિન્ન કરી નાખનારી મનોદશા મારી સ્મૃતિની છીપમાં એવી જડાઈ ગઈ છે કે એ ત્યાંથી કદાચ, કદીયે ઊખડશે નહીં. ે