ઓઢો જામ - હોથલ પદમણી



ઓઢો જામ અને હોથલ પદમણી
       
વાત છે રાપરથી ૧૦ કિમી દૂર આવેલા સઈ ગામની. ગામમાં એક જામ મનાઈ રહેતા હતા. જામ મનાઈને ત્રણ દિકરા હતા. જામ હોથી, મોડ અને જામ ઓઢો. ત્રણેયમાંથી મોટા બન્‍ને પરણી ગયા હતા, પણ સૌથી નાનો ઓઢો કૂવારો હતો. જામ ઓઢાના લગ્ન હોથલ પદમણી સાથે થઈ રહયાં હતાં. તેવા સમયે મોટાભાઈ હોથીની પત્‍ની મીણાવતીએ  ઓઢા ની વિરુઘ્‍ધમાં હોથીની કાનભંભેરણી કરતાં હોથીએ ઉશ્‍કેરાઈ જઈને ઓઢાને દેશનિકાલની સજા ફરમાવી દીધી.  ઉશ્‍કેરાટમાં લેવાયેલા નિર્ણયે ઓઢાને કલંક લગાડયું. પણ છતાંય ઓઢાએ મોટા ભાઈની આજ્ઞા માથે ચડાવી.
        ઓઢાએ ગામ છોડી પોતાનું પશુધન લઈ છેક બન્‍નીના કીરા ડુંગર પાસે પહોચ્‍યો. કચ્‍છમાં ડુંગરો પશુઓના ઘાસચારા માટે અક્ષયપાત્ર સમાન છે. ઓઢાએ પોતાનાં મોટા ભાગનાં પશુઓ ભાટ, ચારણ વગેરે યાચકોને આપી જે થોડુંક રહયુ તે લઈ, વહાણમાં બેસી દરિયાઈ માર્ગે સિંધ પ્રદેશ તરફ ગયો. સિંધમાં બાભણાસર નગરમાં પોતાના સસરા વિશળદેવ  વાઘેલાની પાસે ગયો. બરાબર એ જ વખતે વિશળદેવની ઓથો(ઊંટનાં ઝૂંડ) ધલૂરાનો સુલતાન હાંકી ગયો હતો. ઓઢો જામ તે સમયે ઓથો બચાવવા સુતલાનની પાછળ પાછળ સલતાનને શોધતો શોધતો ગયો. આ બાજુ ઓઢોના સસરા મૃત્‍યુ પામતા તેમની અંતિમવિધિ તેમની દીકરી હોથલે પૂર્ણ કરી. હોથલે સૈનિકો લઈને સુલતાન સામે લડવાનું નકકી કર્યું.
        હોથલે પુરુષનો વેશ ધારણ કર્યો. પોતાનું નામ હોથી રાખીને સૈનિકોને લઈને સુલતાનની શોધ આદરી. રસ્‍તામાં ઓઢો જામ અને હોથી એકબીજાને મળી જાય છે અને સુલતાન સામે ભેગા મળી લડવાનું નકકી કરે છે. બાંભણાસર નજીક વિશળદેવની જે ઓથો સુલતાન ચોરી ગયો હતો તેને રબારીઓ ચારી રહયા હતા. ઓઢા અને હોથીએ રબારીઓ પાસેથી ઓથો પાછી મેળવી સરખા ભાગે વહેચી લીધી. અને પોતપોતાના રસ્‍તે પડયા. ઓઢાને શંકા જતાં તેણે હોથીની પાછળ પાછળ જવાનું નકકી કર્યું. તેણે જાણ્‍યું કે હોથી તો એક સ્‍ત્રી છે, અને તે જ હોથલ છે. અત્‍યાર સુધી ઓઢાને ખબર નહોતી કે હોથી એ પોતે હોથલ છે.
        સમય જતાં બંને રાપર તાલુકાના સઈ ગામે આવ્‍યાં. અહી એક નાનો ડુંગર છે. જેને હોથલ ડુંગર કહે છે. બંનેએ આ ડુંગર પર ગાંધર્વ લગ્ન કરી લીધા. સમયના વહેણની સાથે સાથે તમને બે પુત્રો થાય છે. એકનું નામ જખરો અને બીજો જેસંગ. હોથલ અને ઓઢાએ દેશવટાના ભાગરૂપે ડુંગરના ભોંયરામાં ઘણા વર્ષો વિતાવ્‍યા. આ ભોંયરૂં આજે પણ હયાત છે.
        આ બાજુ ઓઢાને દેશવટો અપાવનાર તેની ભાભી મીણાવતી મરતાં મરતાં પોતાના પતિ હોથીને જણાવતી જાય છે કે ઓઢો નિર્દોષ છે. આ બાજુ ઓઢાને પણ તેનો વતનપ્રમ કચ્‍છ ખેચી લાવે છે. ઓઢો અને ઓથલ ગોયલગઢ આવે છે. અને આનંદમાં દિવસો વિતાવતા હોય છે. એવામાં એક અજીબ ઘટના બને છે. હોથલ પરાક્રમ દાખવીને બે વિકરાળ પાડાઓની લડાઈના લીધે કુમારો(પુત્રો)ને થનારા નુકશાનથી બચાવી લે છે. લોકો હોથલનું પરાક્રમ જોઈને દંગ રહી જાય છે. લોકો હોથલની સાચી ઓળખાણ ઓઢા જામની પાસે માગે છે. (લોકવાયકા મુજબ હોથલ અપ્‍સરા હતી અને પોતાની ઓળખ છૂપાવી ઓઢા સાથે રહેતી હોય છે જેણે ઓઢાને જણાવ્‍યુ હતુ કે મારી ઓળખ છતી થશે તો મારેસ્‍વર્ગમાં પાછા જતા રહેવું પડશે. ) હવે, ઓઢાએ સાચી ઓળખાણ આપવી પડે છે. ઓળખ છતી થતાં હોથલ ગામમાંથી વિદાય લે છે. જતાં જતાં પોતાના કુમારોના લગ્નમાં આવવાનું વચન આપે છે. અને સમય આવતાં પોતાનું વચન પાળી બતાવે છે. કુમારોના લગ્ન સમયે ઓઢાએ બંને કુમારોની વહુઓને સમજાવી રાખ્‍યું હતું કે તમારી સાસુ હોથલ તમને પોંખવા આવે ત્‍યારે કાંઈક માગવાનું કહેશે. તે સમયે તમે તમારી સાસુ કાયમ અહી આપણી સાથે રહે તેવું માગી લેજો. છેવટે નાની વહુની સૂઝબૂઝથી હોથલ ફરીથી જામ ઓઢાને ત્‍યાં રહેવા માટે વચને બંધાઈ જાય છે. અને હોથલ અને ઓઢાનો સંસાર સુખમય બને છે.
 આવા હતાં ઓઢો જામ અને હોથલ પદમણી.