ઈવેન્ટ્સ

"ક્વિઝ સ્પર્ધા-૨૦૧૬/૧૭"

તારીખ:૦૧/૦૧/૨૦૧૭
આજ રોજ નૂતન વર્ષારંભે વાગડ શિક્ષણ સમિતિ દ્વારા "ક્વિઝ સ્પર્ધા-૨૦૧૬/૧૭"ની ફાઈનલ સ્પર્ધાનું આયોજન રાપર તાલુકાની શાણપર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ ૫ ઝોનમાં કુલ 72 શાળાઓ વચ્ચે આ ક્વિઝ રમાડવામાં આવેલી જેમાંથી પાંચ  ટીમો-શિવગઢ પ્રા.શાળા, બનાસવાડી પ્રા.શાળા, વિકાસવાડી પ્રા. શાળા, સવલખાવાડી પ્રા.શાળા, મોટી હમીરપર કન્યા શાળા. મેઘા ફાઈનલ માટે ક્વૉલિફાઈ થયેલ. આ ટીમો વચ્ચે મેધા ફાઈનલ શાણપર પ્રા. શાળામાં રમાડવામાં આવ્યો.
        આ કાર્યક્રમમાં કચ્છ જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી બી આર જરગેલા સાહેબ જેઓ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તથા વાગડ શિક્ષણ સમિતિના આજના કાર્યક્રમના કન્વીનર તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાપર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી સોલંકી સાહેબ, રાપર તાલુકા બીઆરસી કો-ઓર્ડીનેટરશ્રી અરજણભાઈ ડાંગર, રાપર તાલુકા શિક્ષક સમાજના પ્રમુખશ્રી રમેશભાઈ રાજગોર, તેમજ રાપર તાલુકા શિક્ષક સમાજના મંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સામાજિક અગ્રણીશ્રી વાડીલાલ આર. સાવલા, શ્રી હરિભાઈ એચ રાઠોડ , શ્રી શાંતિલાલભાઈ તેમજ રમણલાલ ગાંધી, વાગડ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો તેમજ શાળાના બાળકો ઉપરાંત શાણપર ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું યજમાનપદ શાણપર પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઉપાડી લીધું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાણપર શાળાની બાળાઓએ પ્રાર્થનાગીત અને સ્વાગતગીત રજુ કર્યું હતું. ત્યારબાદ અતિથીશ્રીઓનું સ્વાગત સાલ અને પુસ્તક અર્પણ કરી કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ કલા ઉત્સવમાં સંગીત- ગાયન, સંગીત-વાદન અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ તથા દ્વિતિય ક્રમે આવનાર બાળકોનું સન્માન વાગડ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યુ હતું ઉપરાંત શ્રી વાડીલાલભાઈ સાવલા દ્વારા દરેકને હજાર-હજાર રૂપિયા આપવામાં આવેલ ઉપરાંત શ્રી અરજણભાઈ ડાંગર સાહેબે પણ આ બાળકોને તથા તેમના માર્ગદર્શક શિક્ષકોને કુલ 5500/- રૂપિયા અને રાપર તાલુકાના ટી.ડી.ઓશ્રીએ કુલ 750/- રૂપિયા રોકડ ઈનામ તરીકે આપી પ્રોત્સાહીત કર્યા હતા. આ પછી પાંચ ટીમો વચ્ચે  ક્વિઝ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી જેમાં કુલ આઠ રાઉન્ડમાં બાળકોએ અદ્ભુત પ્રદર્શન કરી વાતાવરણમાં ઉત્તેજના જગાવી હતી. બાળકો જે રીતે પ્રશ્નોના ઉત્તરો આપતા હતા તે જોતાં એવું લાગતું કે સ્પર્ધા પરિણામ વિહીન થશે. પરંતુ અંતિમ પડાવમાં શીવગઢ સ્પર્ધામાં ખૂબ રોચક રીતે આગળ વધીને સ્પર્ધા પોતાના હસ્તક કરી લીધી. અને અંતે વિજેતા ટીમ તરીકે ઊભરી આવી હતી.
સ્પર્ધાનું સફળ સંચાલન હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર હીરજી આહીર (મેક્સ) દ્વારા કરવામાં આવેલું. તથા ક્વિઝ માસ્ટર તરીકે વિજય જાની, લાલજીભાઈ આહીર અને વિજયભાઈ ચૌધરીએ ભૂમિકા ભજવી હતી. સ્કોરર તરીકે હરવિજયસિંહ તથા મયુરભાઈ ગુણાએ ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત તાલુકાના અનેક શિક્ષકોએ પણ આ સ્પર્ધાને સફળ બનાવવા સારૂ પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું હતું.
છેલ્લે સ્પર્ધામાં વિજેતા ટીમને વાગડ શિક્ષણ સમિતિ દ્વારા ટ્રોફી, સ્કૂલ બેગ,ડીક્ષનરી, પ્રમાણપત્રો તથા શ્રી વાડીલાલભાઈ સાવલાએ વિજેતા ટીમને 1000 રૂપિયા રોકડા આપીને સન્માન કર્યું હતું. રનર્સ અપ ટીમને એક નાની ટ્રોફી, ફોલ્ડર ફાઈલ, પુસ્તકો, પ્રમાણપત્રો તથા શ્રી વાડીલાલભાઈએ 750 રૂપિયા રોકડ આપેલ. તથા ફાઈનલમાં ક્વૉલિફાઈ થયેલ અન્ય ટીમોને પણ આશ્વસન ઈનામો, શ્રી વાડીલાલભાઈ દ્વારા 600 રૂપિયા ત્રણ ટીમોને આપવામાં આવેલ અને સાથે પ્રમાણપત્રો પણ આપવામાં આવેલ. વાગડ શિક્ષણ સમિતિના સભ્યોની આ કામગીરીને બિરદાવવા સારૂ વાડીલાલભાઈ સાવલાએ 2000 રોકડ તેમજ શાણપર શાળાના શિક્ષકોને આયોજન બદલ એક હજાર રૂપિયા આપી પ્રોત્સાહિત કરેલ.
કાર્યક્મના અંતે સૌ આમંત્રિત મહેમાનો અને બાળકોને ભોજન શ્રી શાણપર પ્રા. શાળા વતી કરાવવામાં આવ્યું હતું. આ પાંચ કલાક ચાલેલી સ્પર્ધા સૌ કોઈએ ઉત્સાહ પૂર્વક માણી હતી.

શિક્ષક સન્માન કાર્યક્રમ- ઓક્ટોબર ૨૦૧૬

વાગડ શિક્ષણ સમિતિ દ્વારા રાપર તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી રહેલા શિક્ષકશ્રીઓ માટે શિક્ષક સન્માન કાર્યક્રમનું આયોજન હિંગળાજ માતાના ધામે શ્રીચોકડિયાવાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં કરવામાં આવેલું. કાર્યક્રમમાં કુલ ૬ ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
આકાર્યક્રમ માટે રાપર તાલુકાના ૬ શિક્ષકોની પસંદગી કરવામાં આવેલી.
૧. બાબુભાઈ ગેલાભાઈ મોર માલીસરાવાંઢ શાળા
૨. અરવિંદકુમાર ભોગીલાલ રાવલ બનાસવાડી શાળા
૩. વિભૂતિબેનપ્રવીણચંદ્ર ઠાકર બનાસવાડી શાળા
૪. ગણપતભાઈ નાનજીભાઈ ડાભાણી શાણપર શાળા
૫. ઝવેરભાઈ છનાલાલ માલકિયા શંભુવાંઢ શાળા
૬.જવાનસિંહ મોતીસિંહ પરમાર પ્રતાપગઢવાડી શાળા.
આ પ્રસંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભાવિનભાઈ પટેલ, બીઆરસીકો. ઓર્ડીનેટરશ્રી અરજણભાઈ ડાંગર, શિક્ષક સમાજના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ હિંગળાજ માતાના મંદિરના પુજારી હસુભાઈ મારાજ પણ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવો દ્વારા સૌપ્રથમ દીપ પ્રગટાવીને સ્પર્ધાના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ચોકડિયાવાડી શાળાની બાળાઓએ સુંદર પ્રાર્થના રજુ કરી હતી. આબાળાઓને ૭૦૦ રૂ.નું પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું.૫ધારેલ તમામ મહેમાનોનું ત્રંબો ગ્રુપના શિક્ષકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદએક પછી એક તમામ ૬ શિક્ષકોની કામગીરીઓના વર્ણન કરી તેમનું સન્માન પ્રશસ્તિપત્ર, મોમેન્ટ અને ડાયરીથી મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શિક્ષકોએ પણ આ સન્માન બદલ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.તેમજ કરેલી કામગીરીઓનો અહેવાલ આપ્યો હતો.બીઆરસી કો.ઓ.શ્રી અરજણભાઈએ પ્રસંગના અનુરૂપ ઉદબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે કામ કરવામાં પાછીપાની કરવાવાળાને કોસવા કરતા સારું કામ કરનારને પ્રોત્સાહિત કરવા એ શિક્ષણને આગળ ધપાવવાનો ઉત્તમ રસ્તો છે. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભાવિનભાઈ પટેલ દ્વારા પણ પ્રેરણાદાયી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે સારું કામ કરવાવાળા શિક્ષકો કોઈ વધુ પગાર નથી મેળવતા પણ આત્મસંતોષ અને બાળકોની દુઆઓ જરૂર મેળવે છે.ત્યારબાદ ત્રંબો ગ્રુપના શિક્ષકો દ્વારા વાગડ શિક્ષણ સમિતિનું પણ સરસ્વતી માતાની સુંદર મૂર્તિ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજન માટેની જહેમત ચોકડિયાવાડી શાળાનો તમામ સ્ટાફ તેમજ ત્રંબો ગ્રુપનાશિક્ષકોએ ઉઠાવી હતી. જેમાં ગ્રુપ શાળાના આચાર્ય બેનશ્રી ડિમ્પલબેન દરજી, ત્રંબોસીઆરસીકો.ઓ.આંબાભાઈમકવાણા, મનજીભાઈ સુથાર, રાજુભાઈ બારોટ વગેરેનો વિશેષ સહયોગ રહ્યો હતો. સૌના માટે મિષ્ટાન્ન સાથેના ભોજનની વ્યવસ્થા, શિક્ષકોના સન્માનનો તમામ ખર્ચ વાગડ શિક્ષણ સમિતિએ ઉઠાવ્યો હતો. શિક્ષકોને આપેલ ડાયરીના દાતા સુરેશભાઈ શેઠ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળસંચાલન કારુવાંઢપ્રા.શાળાના શિક્ષક શ્રી રાજુભાઈ બારોટ અને વિકાસવાડી સીઆરસી શ્રી વિજયભાઈ ચૌધરીએ કર્યું હતું.
 

વાર્તા સ્પર્ધા
        વાગડ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળકો માટે નાવિન્ય સભર સાહિત્ય એકઠું કરવા, તથા સાહિત્યમાં રસ ધરાવનાર શિક્ષકશ્રીઓ માટે તાલુકા કક્ષાએ 'મૌલિક બાળવાર્તા સ્પર્ધા' નું આયોજન તારીખ ૦૭/૦૮/૨૦૧૬ ના રવિવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી વિકાસવાડી પ્રાથમિક શાળા નં.-૨ માં કરવામાં આવેલું. આ વાર્તા સ્પર્ધામાં કુલ ૩૫ જેટલી બાળવાર્તાઓ રજીસ્ટ્રેડ થયેલી.
        આ સ્પર્ધામાં વાગડ શિક્ષણ સમિતિના કન્વીનર તરીકે બીઆરસી કો. ઓર્ડીનેટર શ્રી અરજણભાઈ ડાંગર સાહેબની નિમણૂંક કરવામાં આવેલી. આ ઉપરાંત રાપર તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ પણ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકેની ભૂમિકા  રાપર સરકારી શાળાના ભૂતપૂર્વ આચાર્ય તથા કચ્છ ગ્રીન ડ્રીમના સંસ્થાપક શ્રી યોગેશભાઈ જોષી સાહેબ તથા શિક્ષક, કથાકાર અને પત્રકાર એવા શ્રી સૂર્યશંકરભાઈ ગોર સાહેબે ભજવી હતી. આ સર્વે મહાનુભાવો દ્વારા સૌ પ્રથમ દીપ પ્રગટાવીને ૦૯:૩૦ કલાકે સ્પર્ધાના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. શરૂઆતમાં આ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓએ પ્રસંગના અનુરૂપ ઉદબોધન કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધન બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં ભાગ લેનાર દરેક શિક્ષકશ્રીએ એક પછી એક પોતાની આગવી શૈલીમાં મૌલિક વાર્તા રજૂકરી હતી. પ્રત્યેક કૃતિકારે એક એકથી ચડિયાતી કૃતિ રજૂ કરીને સૌને જકડી રાખ્યા હતા. કેટલીક વાર્તાઓ સંગીતમય હતી જેનો સૂર પુરાવવા શ્રીઅયોધ્યાપુરી પ્રા. કન્યા શાળાના સંગીત શિક્ષક શ્રી મુરાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વચ્ચે વચ્ચે વર્ષાગીત અને ગઝલ ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા.અયોધ્યાપુરી સીઆરસી  શ્રી લાલજીભાઈ ચાવડા તરફથી સવારે ૧૧ : ૩૦ કલાકે ચા- નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
        બપોરે બે કલાકે સ્પર્ધા પૂર્ણ કરી સ્પર્ધનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો, જેમાં પ્રથમ ક્રમાંકે સઈ પ્રા. શાળાના યુવાન શિક્ષક શ્રી મયુરભાઈ ગુણાને જાહેર કરવામાં આવ્યા. દ્વિતિય ક્રમાંકે સુવઈ કન્યા શાળાના શિક્ષિકા શ્રીમતિ ઉર્મિલાબહેન જોષી, અને તૃતિય ક્રમાંકે ત્રણ સ્પર્ધકો વચ્ચે ટાઈ થતાં ત્રણેને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો હતો.  આ ત્રણે ક્રમાંક મેળવનાર વિજેતાઓને મહેમાનશ્રીઓ દ્વારા અનુક્રમે ₨ ૧૫૦૦/- , ₨ ૧૦૦૦/- ,₨ ૫૦૦/- , ઉપરાંત ખાસ મોમેન્ટ્સ, ફાઈલ્સ, પુસ્તકો અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. બાકીના સ્પર્ધકોને આશ્વાસન ઈનામ તરીકે ફાઈલ્સ તથા પ્રમાણપત્રોથી સન્માનવામાં આવ્યા હતા. નિર્ણાયકશ્રીઓને ડાયરી, પેન અને પુસ્તકથી સન્માનવામાં આવ્યા હતા. અને સ્પર્ધા અંગેના તેઓશ્રી પાસેથી ફીડબેક પણ લેવામાં આવ્યા હતા. જેમાં સૌ કોઈએ વાગડ શિક્ષણ સમિતિની આવી નિસ્વાર્થ અને ઉમદા કામગીરીની મુક્ત મને પ્રસંશા પણ કરી હતી.
        પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવનારને રોકડ ઈનામ બીઆરસી કો. ઓર્ડીનેટર શ્રી અરજણભાઈ ડાંગર સાહેબ તરફથી આપવામાં આવ્યું હતું. શ્રી સૂર્યશંકરભાઈ ગોર સાહેબ તરફથી ₨.૨૧૦૦/- આપીને પ્રોત્સાહિત કર્યાં હતા, જ્યારે ફાઈલ્સ તથા ડાયરી, પેન વગેરેના દાતા સુરેશ સ્ટેશનરીના માલિક શ્રી સુરેશભાઈ શેઠ, મોમેન્ટ્સના દાતા સહજાનંદ પ્રિન્ટર્સના માલિક શ્રી નિલેશભાઈ માલી તથા ચા- નાસ્તા માટે શ્રી લાલજીભાઈ ચાવડા સાહેબે ઉદાર હાથે દાન કરીને સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા. ભવિષ્યમાં થનારી આવી સ્પર્ધા માટે ભાગ લેવા આવનાર સર્વેને ભાડા-ભથ્થા આપવાનું શ્રી નરેન્દ્રસિંહ જાડેજા તરફથી કહેવામાં આવ્યું હતું.
        સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિકાસવાડી સીઆરસી શ્રી વિજયભાઈ ચૌધરીએ કર્યું હતું. સ્પર્ધાની સઘળી જવાબદારી શ્રી વિજયભાઈ ચૌધરી, લાલજીભાઈ ચાવડા સીઆરસી અયોધ્યાપુરી, બાબુભાઈ મોર માલીસરા વાંઢ પ્રા. શાળાના મુ.શિ., ડૉ. દિનેશભાઈ પંચાલતથા વિજયકુમાર જાનીશ્રીઅયોધ્યાપુરી પ્રા. કન્યા શાળાના મ.શિ. અને બનાસવાડી પ્રા. શાળાના મુ.શિ. શ્રી અરવિંદભાઈ રાવલે ઉપાડી લીધી હતી.સમગ્ર કાર્યક્રમની યાદગીરી સ્વરૂપે વિડીયો તથા ફોટોગ્રાફી પણ કરવામાં આવેલી.
        છેલ્લે શ્રી બાબુભાઈ મોર સાહેબ દ્વારા આભારવિધિ કરીને બપોરે ૦૨:૩૦ કલાકે સૌ છૂટા પડ્યા હતા. આમ, સમગ્ર સ્પર્ધા સૌ શિક્ષક ભાઈ - બહેનોના સાથ અને સહયોગથી સુંદર રીતે પરિપૂર્ણ પામી હતી.